અક્ષય અને સોનાક્ષી ‘જોકર’ના સેટ પર ગેમ્સ રમતા

મુંબઈ – અક્ષય કુમાર તેની ફિલ્મોના શૂટિંગ વખતે કંઈને કંઈ મજાક-મસ્તી કરવા માટે જાણીતો છે. સેટ પર બ્રેક મળે ત્યારે એ ભાગ્યે જ પોતાની વેનિટી વેનમાં જઈને ઝોકું ખાઈ લેવાનું પસંદ કરે. એને બદલે એ સાથી કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સાથે જુદા જુદા પ્રકારની ગેમ રમવાનું રાખે.

નવી ફિલ્મ ‘જોકર’ના સેટ ઉપર એ પોતે તો ગેમ્સ રમતો, પણ એની હિરોઈન બનેલી સોનાક્ષી સિંહાએ પણ બતાવી દીધું કે તેય કેવી જબરી ખેલાડી છે.

યુનિટના એક સભ્યે કહ્યું કે, અક્કી ઘણી વાર સેટ પર કસરતો કરે અને માર્શલ આર્ટ્સના દાવપેચ બતાવે. એ જોવા માટે દિગ્દર્શક શિરીષ કુંદર, સહ કલાકાર શ્રેયસ તલપડે તથા બીજાંઓને પણ જોડાવાનું કહે. મજાની વાત તો એ છે કે સોનાક્ષી સિંહા ટીમમાં જોડાઈ તે પછી એ બધા વોલીબોલ મેચ રમવા માંડ્યા. ઘણાને એમ હતું કે સોનાક્ષી ઔપચારિક રીતે બધાય સાથે રમતમાં જોડાશે, પણ સૌના આશ્ચર્ય વચ્ચે એ તો પ્રોફેશનલ ખેલાડીની જેમ વોલીબોલ રમતી હતી.

સોનાક્ષી એનાં સ્કૂલનાં દિવસોથી સ્પોર્ટ્સમાં હોંશિયાર છે. વોલીબોલ એની પ્રિય રમત છે.

સોનાક્ષીને આટલું સરસ રમતી જોઈને અક્ષય પણ અચંબામાં પડી ગયો હતો. પછી તો બેઉની સામસામી ટીમ વચ્ચે મેચ રમાતી. ‘જોકર’નું શૂટિંગ મોટે ભાગે આઉટડોરમાં જ થયું છે એટલે બ્રેક વખતે સૌ વોલીબોલ, ફૂટબોલ જેવી રમતો રમતા એટલે સેટ જાણે સ્પોર્ટ્સ ઝોન બની જતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood