મુંબઈ – અહીંની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર અપાઈ તે છતાં તબિયત વધારે લથડ્યા બાદ ગુરુવારે સવારે અહીં પોતાના નિવાસસ્થાને અવસાન પામેલા વિતેલા જમાનાના મહાન કુસ્તીબાજ અને અભિનેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય દારા સિંહ રંધવાના બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
દારા સિંહ ૮૩ વર્ષના હતા. છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગુરુવારે સવારે લગભગ ૭.૩૦ વાગ્યે તેમણે એમના અત્રેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. એમને બુધવારે રાત્રે નિવાસસ્થાને પાછા લાવવામાં આવ્યા હતા.
દારા સિંહના પરિવારમાં એમના પત્ની તથા ત્રણ પુત્રો અને ત્રણ પુત્રી છે.
દારા સિંહને ગઈ ૭ જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ત્યારથી તે આઈસીયૂમાં હતા. હોસ્પિટલમાં દારા સિંહને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા, પણ બુધવારે વેન્ટીલેટર હટાવી લેવામાં આવ્યું હતું. તે અંતિમ સમયમાં પરિવારજનો સાથે રહી શકે એ માટે તેમને ઘેર લઈ જવામાં આવ્યા હતા.
દારા સિંહના મસ્તકમાં લોહીની સપ્લાય પહોંચી શકતી નહોતી. તેને લીધે એમના મગજમાં ઓક્સિજન પહોંચી શકતો નહોતો. એને કારણે તેમના બચવાની આશા નબળી પડી ગઈ હતી.
બપોરે બે વાગ્યે નિવાસસ્થાનેથી દારા સિંહના પાર્થિવ દેહને ખુલ્લી ટ્રકમાં રાખીને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સેલિબ્રિટીઝ, સ્પોર્ટ્સ ક્ષેત્રના અગ્રણીઓ, ચાહકો સહિત અનેક લોકો જોડાયા હતા. એમની અંતિમ ઝલક જોવા માટે રસ્તામાં એમના પ્રશંસકો મોટી સંખ્યામાં ઊભેલા જોવા મળ્યા હતા. દારા સિંહના પાર્થિવ દેહ પર ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દારા સિંહના જુહુ, વિલે પારલે સ્થિત સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ રેસલિંગ ચેમ્પિયન બનેલા દારા સિંહ પચાસના દાયકામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યા હતા. ‘કિંગ કોંગ’ અને ‘ફૌલાદ’ જેવી ફિલ્મોમાં તેમનો અભિનય ખૂબ વખણાયો હતો. છેલ્લે ૨૦૦૭માં એ શાહીદ-કરીનાની ‘જબ વી મેટ’ ફિલ્મમાં ચમક્યા હતા. એમણે કરીના કપૂરના દાદાનો રોલ કર્યો હતો.
મનોરંજનના ક્ષેત્રે એમને સૌથી વધારે લોકપ્રિયતા અપાવી રામાનંદ સાગરની ‘રામાયણ’ ટીવી સિરિયલે. એમાં તેમણે હનુમાનના પાત્રને જીવંત બનાવી દીધું હતું.
દારા સિંહે તેમની કુસ્તીબાજની ઈમેજનો ઉપયોગ ફિલ્મના પડદા પર કર્યો અને ૧૧૨ ફિલ્મોમાં તેમજ અનેક ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો અને કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.
દારા સિંહને લોકો ફિલ્મો તથા ટીવીના પડદા પર તેમણે ભજવેલી વિવિધ પ્રકારની ભૂમિકાઓ માટે યાદ કરે છે.
તેમણે કેટલીક પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને નિર્માણ પણ કર્યું હતું.
૧૯૨૮ના નવેંબરમાં અમૃતસરના ધારમુચક ગામમાં બલવંત કૌર અને સુરત સિંહ રંધવાના જાટ પરિવારમાં જન્મેલા દારા સિંહ ભારતીય સ્ટાઈલની કુસ્તી, પહેલવાનીમાં કુશળતા હાંસલ કરી હતી.
કુસ્તીજગતમાં તેમણે ઓસ્ટ્રેલિયાના કિંગ કોંગ, કેનેડાના જ્યોર્જ ગોર્ડિએન્કો, ન્યૂ ઝીલેન્ડના જોન ડેસિલ્વા તથા અન્ય પહેલવાનો સાથે કુસ્તી લડી હતી અને તેમને હરાવ્યા હતા.
કુસ્તીમાં અનેક સ્પર્ધાઓમાં સફળતા મેળવનાર દારા સિંહે રુસ્તમ-એ-પંજાબ અને રુસ્તમ-એ-હિંદ ખિતાબો જીત્યા હતા.
છેક ૧૯૮૩માં તે કુસ્તીમાંથી નિવૃત્ત થયા હતા.
તેમણે મેરા નામ જોકર, અજૂબા, દિલ્લગી, કલ હો ના હો જેવી ફિલ્મોમાં વિશેષ ભૂમિકા અદા કરી હતી. મર્દ ફિલ્મમાં તેમણે અમિતાભ બચ્ચનના પિતાની ભૂમિકા કરી હતી તો જૂનિયર બચ્ચન, અભિષેક સાથે તેમણે શરારતમાં કામ કર્યું હતું.
તેમની અદાકારીથી જાણીતી ટીવી સિરિયલો છે – હદ કર દી, ક્યા હોગા નિમ્મો કા.
બોલીવૂડની જાણીતી અભિનેત્રી મુમતાઝ દારા સિંહની શોધ હતી. એની સાથે એમણે ૧૬ ફિલ્મો કરેલી જેમાં ફૌલાદ, વીર ભીમસેન, હર્ક્યૂલીસ, આંધી ઔર તુફાન, ટારઝન કમ્સ ટુ દિલ્હી, ટારઝન એન્ડ કિંગ કોંગ, સિકંદર-એ-આઝમ, રુસ્તમ-એ-હિંદનો સમાવેશ થાય છે.
પહેલા લગ્નથી એમને એક પુત્ર થયો છે જેનું નામ પરદુમન સિંહ રંધવા છે. બીજા લગ્નથી એમને પાંચ સંતાનો થયા છે – બે પુત્રો અને ત્રણ પુત્રી. એક પુત્ર વિન્દુ દારા સિંહ ફિલ્મ અને ટીવી એક્ટર છે.



















