મુંબઈ – વિતી ગયેલા જમાનાના પહેલવાન, અભિનેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય દારા સિંહની હાલત હજી પણ ગંભીર છે. તેમને અહીં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
૮૪ વર્ષના દારા સિંહને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ ગયા શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે પણ તેમની હાલત નાજુક હતી અને સોમવારે પણ તેમાં કોઈ ફરક પડ્યો નથી.
હોસ્પિટલના સીઓઓ રામ નારાયણનું કહેવું છે કે દારા સિંહની તબિયત વધારે બગડી નથી, પણ તે હજી પણ ઘણી ગંભીર છે. એમને દવાનો હાઈ ડોઝ આપવામાં આવી રહ્યો છે. તેમની કિડની ઉપર પણ માઠી અસર પડી છે. એ બરાબર કામ કરતી નથી તેથી એમને ડાયાલિસીસ પર મૂકવામાં આવ્યા છે.
દારા સિંહના પુત્ર વિન્દુએ કહ્યું કે એમના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અથવા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો છે.
કુસ્તીબાજ તરીકે દારા સિંહે રુસ્તમ-એ-હિંદનું બિરૂદ હાંસલ કર્યું હતું. ૧૯૬૦ના દાયકામાં તે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ્યા હતા.
તેમની ફિલ્મોમાં વતન સે દૂર, દાદા, રુસ્તમ-એ-બગદાદ, શેર દિલ, સિકંદર-એ-આઝમ, મેરા નામ જોકર, ધરમ કરમનો સમાવેશ થાય છે. છેલ્લે, ૨૦૦૭માં એ કરીના-શાહીદની ફિલ્મ જબ વી મેટમાં ચમક્યા હતા.
રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં તેમણે હનુમાનનું પાત્ર ભજવ્યું હતું.



















