ટોરન્ટો – ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ એટલે અવ્વલ દરજ્જાની અભિનેત્રી શ્રીદેવીની કમબેક ફિલ્મ. તેનો પ્રીમિયર શૉ હાલમાં જ ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાઈ ગયો અને દર્શકોએ તેની ઘણી સરાહના કરી.
નવાઈની વાત એ છે કે શ્રીદેવી અને તેની ફિલ્મનાં દિગ્દર્શિકા ગૌરી શિંદેને રૉય થોમ્પસન થિયેટર ખાતે આયોજિત કાર્યક્રમમાં જે ભવ્ય સમ્માન કરવામાં આવ્યું એનાથી એ બંનેનાં પતિ, બોની કપૂર અને આર. બાલ્કી ગળગળા થઈ ગયા હતા.
પ્રીમિયર શૉ બાદ બાલ્કી તો એમની પત્નીના સમ્માનથી પોતાની આંખમાં આંસુ બહાર આવતા રોકી શક્યા નહોતા અને કહ્યું, દર્શકોએ દસ મિનિટ સુધી અમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્થાનિક મીડિયાએ શ્રીદેવી અને ગૌરીનાં ભરપૂર વખાણ કર્યાં છે. એ લોકોએ તો શ્રીદેવીની સરખામણી હોલીવૂડની મેરીલ સ્ટ્રીપ સાથે કરી છે.
શ્રીદેવીને બાદમાં બોની કપૂર, નિર્માતા બાલ્કી અને એમનાં પત્ની ગૌરી શિંદે સાથે ઓન્ટારીયો પ્રાંતના વડા પ્રધાન ડાલ્ટન મેકગ્વીન્ટીએ ચા પર આમંત્રિત કર્યા હતા.
બોની કપૂર અગાઉ ઓન્ટારીયો આવ્યા હતા ત્યારે મેકગ્વીન્ટીએ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ જોવાની ઈચ્છા દર્શાવી હતી. એ જોયા પછી તે શ્રીદેવીની અભિનયક્ષમતાથી પ્રભાવિત થયા હતા.



















