મુંબઈ – પીઢ બોલીવૂડ કલાકાર દંપતિ, હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી પુત્રી તથા અભિનેત્રી એશા દેઓલ શુક્રવારે મુંબઈમાં તેના બોયફ્રેન્ડ અને ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ. બંનેએ એક મંદિરમાં દક્ષિણ ભારતીય પરંપરાગત રીતે અને સાદાઈથી લગ્ન કર્યા છે.
લગ્ન સમારંભ વખતે જમાઈ તથા મહેમાનોને આવકારવા હેમા અને ધર્મેન્દ્ર મંદિરના પ્રવેશદ્વાર પાસે ઊભા હતા.
લગ્નમાં હાજરી આપનાર બોલીવૂડની હસ્તીઓમાં અમિતાભ બચ્ચન, એમનો પુત્ર અભિષેક બચ્ચન, મનોજ કુમાર, વૈજયંતીમાલા, વિનોદ ખન્ના, રમેશ સિપ્પી, ફરદીન ખાન, પૂનમ શત્રુઘ્ન સિંહા, મધુ, અનુ મલિક, ડિઝાઈનર નીતા લુલ્લા અને તેમના પુત્રીનો સમાવેશ થાય છે.
એશા લાલ રંગની પરંપરાગત સિલ્ક કાંજીવરમ સાડીમાં સુંદર લાગતી હતી જ્યારે ભરત સફેદ શેરવાની અને નીતા લુલ્લાએ ડિઝાઈન કરેલી પાઘડીમાં શોભતો હતો.
બંને હિન્દુ મંત્રોચ્ચાર વચ્ચે લગ્નના બંધનથી બંધાયા હતા.
આ લગ્ન પૂર્વે દેઓલ તથા તખ્તાની પરિવારોના સભ્યો તથા અંગત મિત્રો માટે ત્રણ દિવસ અન્ય વિધિ તથા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત સંધ્યા અને મેહંદી સેરેમનીનો સમાવેશ થાય છે.



















