નિર્માતા અનુરાગ કશ્યપના દિગ્દર્શન હેઠળ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ વેર ભાવનાને દર્શાવતી સસ્પેન્સ, એક્શન, સેક્સ, ગાળા-ગાળીથી ભરેલી ફિલ્મ છે જે વારંવાર પોતાનો શેડ બદલતી હોવાથી લાંબી હોવા છતાં ગમે એવી છે. બે કલાક અને ૪૦ મિનિટ લાંબી ફિલ્મમાં ગોળીઓ, ગાળો, સેક્સ સીન્સ, કોમેડી એમ બધું જોવા મળે છે.
ફિલ્મની વાર્તા ઝારખંડના (અગાઉ બિહારના) ધનબાદ જિલ્લાના નગર વાસેપુરની છે જ્યાં કોલસા અને સ્ક્રેપ ટ્રેડના માફિયાનું જંગલ રાજ ચાલે છે.
ફિલ્મ મુખ્યત્વે કોલસાની ખાણના માફિયા સરદાર ખાન (મનોજ બાજપાઈ) અને રામાધીર સિંહ (તિગ્માંશુ ધુલિયા) વચ્ચેની દુશ્મની બતાવે છે જે પેઢીઓથી ચાલતી આવે છે. ભ્રષ્ટ સરકારી અધિકારી અને નેતાના સહારે આ લોકો ગેરકાયદેસર રીતે બિઝનેસ કરીને કરોડો રૂપિયા કમાય છે. આખા શહેરમાં આ બંનેએ દહેશત ફેલાવી દીધી છે. કોઈનો પણ જાન લેવો આ લોકો માટે મામુલી અને રમત વાત છે. રાજકારણ, ષડયંત્ર, ગેરકાયદેસર કમાણી અને હિંસાએ આખા શહેરને લોહીલુહાણ કરી નાખ્યું છે.
ફિલ્મની શરૂઆતમાં, શાહિદ ખાન (જયદીપ અહલાવત) વિસ્તારના કુખ્યાત ડાકુ, સુલતાનના નામે ટ્રેનો લૂંટે છે. પરંતુ જ્યારે સુલતાનને આની ખબર પડે છે ત્યારે એ રોષે ભરાય છે. શાહિદને ગામમાંથી ભાગવું પડે છે. તે એક કોલસાની ખાણમાં મજૂર બની જાય છે. તેની પત્ની એમના બાળકને જન્મ આપીને મૃત્યુ પામે છે. મજૂરોને ખાણ છોડીને જવાની નિષ્ઠુર માફિયા પરવાનગી આપતો નથી એટલે શાહિદ તેની પત્નીના અંત સમયે તેની પાસે હાજર રહી શકતો નથી. શાહિદને બાદમાં ખાણમાલિક રામાધીર સિંહ ભાડૂતી મારા તરીકે રોકે છે, પણ એ જ તેને પછી મારી નાખે છે. શાહિદનો મિત્ર ફરહાન (પીયૂષ મિશ્રા) શાહિદના પુત્ર સરદાર ખાન (મનોજ બાજપાઈ) સલામત સ્થળે લઈ જાય છે. સરદાર મોટો થઈને તેના પિતાના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લે છે અને પોતાના વતનમાં પાછો ફરી રામાધીરની સત્તાને પડકારે છે. એ વાસેપુરનો સૌથી ખતરનાક, હિંસક માનવી બની જાય છે. સરદાર ખાનને ઉગ્ર મિજાજવાળી પત્ની છે નજમા (રીચા ચઢ્ઢા), પણ એ દુર્ગા (રીમા સેન)નાં પ્રેમમાં પડી એને પણ પત્ની બનાવે છે. સરદાર ખાનના વધી રહેલા વર્ચસ્વનો અંત લાવવા રામાધીર પેંતરા રચે છે.
એક્ટિંગમાં, સરદાર ખાનના રોલને મનોજ બાજપાઈએ સરસ રીતે નિભાવ્યો છે. આને મનોજની કારકિર્દીના આ સૌથી જબરદસ્ત પરફોરમન્સ તરીકે પણ ગણવામાં આવે છે.
તિગ્માંશુ ધુલિયાએ દિગ્દર્શન બાદ એક્ટિંગમાં હાથ અજમાવ્યો છે, પણ ખૂબ પ્રભાવિત કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકી, હુમા કુરેશી અને પીયૂષ મિશ્રા જેવા નવા કલાકારો પણ એક્ટિંગથી ઈમ્પ્રેસ કરે છે.
અભિનેત્રીઓમાં, રીચા ચઢ્ઢાએ તેની ભૂમિકા સરસ રીતે ભજવી છે તો રીમા સેન બોલ્ડ દ્રશ્યોમાં છવાઈ ગઈ છે.
ઘણી જગ્યાએ ફિલ્મ દર્શકોની લાગણીને સ્પર્શે છે.
સ્નેહા ખાનવલકરનું સંગીત ગમે એવું છે. ૧૪ ગીતોથી ભરપૂર આ ફિલ્મનું લોકપ્રિય ગીત ‘જીયો બિહાર કે લાલા’ બિહારના ૧૦૦ વર્ષ પૂરા થયા તે નિમિત્તે સામેલ કરવામાં આવ્યું છે. અન્ય ગીતો પણ સાંભળવા, જોવા ગમે તેવા છે.
ફિલ્મમાં જોવા જેવું શું છે? મુખ્ય પાત્રોનો અભિનય, સ્નેહા ખાનવલકરનું સંગીત, અનુરાગ કશ્યપનું દિગ્દર્શન અને સંવાદો.
ફિલ્મની નબળી બાજુ શું છે? હિંસાનો અતિરેક, વધુ પડતા પાત્રો, મૂંઝવણમાં નાખી દેતો વાર્તાનો પ્લોટ અને ફિલ્મની લંબાઈ.
ફિલ્મ જોવી કે નહીં? માફીયાઓની ફિલ્મોના શોખીન હો તો ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જોવા જજો. ચોક્કસ ગમશે, પણ ફેમિલી સાથે બેસીને જોવા જેવી નથી.



















