રાજેશ ખન્ના મારી ખૂબ નિકટ હતાઃ મુમતાઝ

લંડન – રાજેશ ખન્નાના અવસાનના સમાચાર સાંભળીને વિતેલા વર્ષોની પ્રસિદ્ધ અભિનેત્રી મુમતાઝ ગમગીન થઈ ગઈ છે. એણે કહ્યું કે, બીજાંઓની સાથે હળવા-મળવાનું ન રાખનાર રાજેશ મારી ખૂબ નિકટ હતા.

રાજેશ ખન્ના અને મુમતાઝે સાથે મળીને ૧૦ સુપરહિટ ફિલ્મો આપી હતી.

એક મુલાકાતમાં મુમતાઝે કહ્યું કે, ખન્નાના અવસાનના સમાચાર સાંભળીને હું ખૂબ રડી.

મુમતાઝ ગયા મહિને જ મુંબઈમાં ખન્નાને મળી હતી. એ વખતે બંનેએ કેન્સર સામે પોતપોતાના સંઘર્ષની વાતો કરી હતી.

મુમતાઝ સ્તન કેન્સર સામે પોતાનો જંગ જીતી ગઈ છે. ‘મને ખબર છે કે કીમોથેરાપી દરમિયાન કેવી પીડા સહન કરવી પડે છે,’ એમ તેણે કહ્યું.

મુમતાઝે રાજેશ ખન્ના સાથે દો રાસ્તે, સચ્ચા જુઠા, રોટી, અપના દેશ, આપકી કસમ, દુશ્મન જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. ‘ખન્ના સાથે ફિલ્મોમાં કામ કર્યું એ દરમિયાન અનેક સારા પ્રસંગો મને આજે પણ યાદ છે. રોટી ફિલ્મના શૂટિંગ વખતે એમણે મને એમના ખભા પર ઉપાડીને બરફ પરથી ચાલવાનું હતું. લગભગ એક અઠવાડિયા સુધી એ દ્રશ્યનું શૂટિંગ ચાલ્યું હતું. હું ક્યારેય દુબળી-પાતળી નહોતી. હું એમની મજાક કરતી હતી કે હવે તમારે ૧૦૦ કિલોગ્રામનું વજન ઉઠાવવું પડશે. ત્યારે એ કહેતા કે તું કંઈ એટલી બધી ભારે નથી લાગતી.’

મુમતાઝે કહ્યું કે, ભારતમાં રાજેશ ખન્નાના કરોડો ચાહકો એમના અવસાનથી દુઃખી થયા હશે. હું પણ બહુ-બહુ-બહુ જ દુઃખી થઈ છું. બિછડે સભી બારી-બારી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood