મુંબઈ – અભિનેત્રી પ્રાચી દેસાઈ એવી આઉડસાઈડર વ્યક્તિઓમાંની એક છે, જેણે બોલીવૂડમાં નોંધનીય પ્રગતિ કરી છે. સુરતમાં જન્મેલી અને મહારાષ્ટ્રના પંચગીની તથા પુણેમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર પ્રાચી કહે છે કે બોલીવૂડમાં પહેલો બ્રેક મેળવવાનું આઉટસાઈડર્સ માટે આસાન હોતું નથી, પણ હું એ બાબતમાં નસીબદાર છું. ભવિષ્યમાં હું ૨૫ હિન્દી ફિલ્મો કરવા માગું છું.
૨૩ વર્ષીય પ્રાચીએ તેની એક્ટિંગ કારકિર્દી ટીવી શૉ ‘કસમ સે’થી શરૂ કરી હતી. બોલીવૂડમાં તેની પહેલી ફિલ્મ હતી ‘રોક ઓન’ (ફરહાન અખ્તર સાથે). ત્યારબાદ એ ઈમરાન હાશ્મી સાથે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં ચમકી હતી અને એકદમ તાજેતરમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ છે ‘તેરી મેરી કહાની.’
તેની આવનારી મૂવી છે બોલ બચ્ચન, જેમાં તેણે અભિષેક બચ્ચન સાથે જોડી બનાવી છે. એમાં તેનો રોલ અજય દેવગનની બહેનનો છે જે એજ્યૂકેટેડ અને મોડર્ન છોકરી છે.



















