મુંબઈ – હિન્દી ફિલ્મોના વિતેલા વર્ષોના સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત રવિવારે સુધારા પર હતી. એમની અભિનેત્રી પત્ની ડિમ્પલ કાપડિયાએ કહ્યું છે કે રાજેશને શ્વાસ લેવામાં હવે તકલીફ નથી, પરંતુ એમને હજી બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે.
રાજેશ ખન્નાને શરીરમાં નબળાઈ લાગતા શનિવારે સાંજે ફરીથી લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હજી એક અઠવાડિયા પહેલા જ એમની તબિયત સારી થતા લીલાવતીમાંથી એમને ઘેર રજા આપવામાં આવી હતી.
રાજેશ ખન્નાનું બ્લડ પ્રેશર ખૂબ ઘટી ગયું હતું.
કિડનીની તકલીફને કારણે એમને ગઈ ૨૪ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
૬૯ વર્ષના રાજેશ ભારતના પ્રથમ સુપરસ્ટાર ગણાય છે. તેમણે ૧૯૬૯ અને ૧૯૭૨ વચ્ચેના સમયગાળા દરમિયાન આરાધના, હાથી મેરે સાથી, આનંદ અને અમર પ્રેમ જેવી સતત ૧૫ સોલો સુપરહિટ ફિલ્મો આપી હતી.



















