વાનખેડેમાં તમાશોઃ શાહરૂખને બાળઅધિકારોના પંચની નોટિસ

મુંબઈ – ત્રણ મહિના પહેલા આઈપીએલ સ્પર્ધા દરમિયાન વાનખેડે સ્ટેડિયમ ખાતે બનેલી ઘટનામાં બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનને મુંબઈ ક્રિકેટ એસોસિએશન અને પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી થઈ હતી. એ કેસના સંબંધમાં મહારાષ્ટ્ર કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ તરફથી શાહરૂખ ખાન, મરીન ડ્રાઈવ પોલીસને તથા કેસના ફરિયાદીને નોટિસ મોકલવામાં આવી છે.

ફરિયાદી અમિત મારુ તેમના વકીલ વાય.પી. સિંહ મારફત પંચમાં ગયા છે અને એવી રજૂઆત કરી છે કે શાહરૂખ સામે સાત ગુના નોંધવામાં આવ્યા છે. શાહરૂખ સામે એફઆઈઆર નોંધવાનો પંચ પોલીસને આદેશ આપે, એવી મારુએ વિનંતી કરી છે.

પંચે મારુ તથા મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનને મોકલાવેલી નોટિસમાં કહ્યું છે કે ફરિયાદ પરની સુનાવણી ૧૬ ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

પંચના નાયબ સચિવ એસ.એસ. સૂપેની સહી સાથે મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે જો મારુ તથા પોલીસ અધિકારીઓ સુનાવણી વખતે હાજર નહીં રહે તો એક પક્ષકાર (શાહરૂખ)ની હાજરીમાં પણ સુનાવણી શરૂ કરવામાં આવશે.

સુનાવણી દરમિયાન મારુએ પહેલા તો એ ખુલાસો કરવો પડશે કે શાહરૂખ સામે ફરિયાદ કયા આધારે કરવામાં આવી છે. ત્યાર પછી જ પંચ ભાવિ પગલાં લેવાનું નક્કી કરશે.

પોતાની ફરિયાદમાં મારુએ કહ્યું છે કે શાહરૂખ એક નામાંકિત હસ્તી હોઈ દેશના લોકો, ખાસ કરીને બાળકો તેનું અનુકરણ કરે છે. વાનખેડે સ્ટેડિયમમાં તેણે જાહેરમાં ગાળાગાળી કરીને અને ઝપાઝપી કરીને બાળકોના મન પર ખરાબ અસર પાડી છે. બાળકો હવે એવી જ ગાળો બોલે છે અને શાહરૂખ જેવું ખરાબ વર્તન કરે છે.

શાહરૂખ પર જે સાત આરોપ મૂકવામાં આવ્યા છે તેમાં જાહેરમાં બાળકોની હાજરીમાં ગંદી ગાળો બોલવા, દારૂ પીધેલી હાલતમાં જાહેર સ્થળે ગેરવર્તન કરવા, અસભ્ય વર્તન કરવા અને ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કરવાના આરોપનો સમાવેશ થાય છે.

તે ઘટનામાં વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચ પૂરી થયા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના માલિક શાહરૂખને કેટલાક બાળકોની સાથે પીચ તરફ જતો સુરક્ષા ચોકિયાતોએ રોક્યો હતો. તેને લીધે શાહરૂખનો મિજાજ ગયો હતો અને સુરક્ષા ચોકિયાત, એમસીએના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે ઝઘડી પડ્યો હતો.

પરિણામે પરિસ્થિતિએ ખરાબ વળાંક લીધો હતો.

તે બનાવને પગલે મુંબઈ ક્રિકેટ એસોસિએશને ગેરવર્તન કરવા બદલ શાહરૂખ પર વાનખેડેમાં પ્રવેશ સામે પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News