‘શાંઘાઈ’ : રાજકારણનો પર્દાફાશ કરે છે

દિગ્દર્શક દિવાકર બેનરજીની ફિલ્મ ‘શાંઘાઈ’ મુખ્ય કલાકારોના સરસ અભિનય, દમદાર પોલિટીકલ થ્રિલર અને જાનદાર સ્ક્રિપ્ટને લીધે જોવાલાયક બની છે.

ફિલ્મની વાર્તા પ્રગતિના નામે એક ઝૂંપડપટ્ટીને હટાવીને ત્યાં ઈન્ટરનેશનલ બિઝનેસ પાર્ક બનાવવાની યોજના પર આધારિત છે. સરકારી તંત્રે આ યોજનાને શાંઘાઈ નામ આપ્યું છે. જો આ ઝૂંપડપટ્ટીને દૂર કરવામાં આવે તો સેંકડો લોકો બેઘર બની જાય એમ છે. સામાજિક ચળવળકાર ડોક્ટર અહમદી (પ્રસન્નજીત ચેટર્જી)ને આ યોજનામાં કંઈક હોય એવું ગડબડ લાગે છે અને તે યોજનાનો વિરોધ કરે છે. એને લીધે તેમને જાન ગુમાવવો પડે છે. અહમદીની હત્યા બાદ સરકાર સામે વિરોધનો વંટોળ થાય છે એટલે સરકાર હત્યાની તપાસ ઈમાનદાર અધિકારી ટી.એ. કૃષ્ણન (અભય દેઓલ)ને સોંપે છે. તપાસ દરમિયાન સ્થાનિક વીડિયોગ્રાફર જોગી પરમાર (ઈમરાન હાશ્મી) અને શાલિની સહાય (કલ્કી કોચલીન) પણ મહત્વની કડી તરીકે ઉભરી આવે છે.

દિગ્દર્શક બેનરજી ફિલ્મ પર પોતાની પકડ જાળવી શક્યા છે. રાજકીય પક્ષોની રેલીઓથી માંડીને નેતાઓના કાવાદાવા વચ્ચે આઈટમ સોંગની મજા, નેતાઓની લોબિંગના દ્રશ્યો પર બેનરજીએ સારી એવી મહેનત કરી છે. ‘ખોસલા કા ગોસલા’ જેવી અલગ વિષયવાળી ફિલ્મ બનાવીને બેનરજીએ સાબિત કરી આપ્યું હતું કે પોતે અન્ય સર્જકોના ટોળાથી અલગ છે.

‘શાંઘાઈ’માં કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો, અભય દેઓલે અગાઉ પણ આ પ્રકારની પ્રભાવશાળી ભૂમિકાઓ કરી છે. ઈમરાન ફિલ્મમાં છવાઈ ગયો છે તો કલ્કીએ પણ પોતાના પાત્રને ન્યાય આપ્યો છે.

ઈમરાન હાશ્મીની એક્ટિંગમાં નવીનતા, દિલચસ્પ વાર્તાને લીધે ‘શાંઘાઈ’ જોવા જેવી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood