‘શાંઘાઈ’: ઈરાકમાં ૨૦ વર્ષે પહેલી ભારતીય ફિલ્મનું પ્રદર્શન

મુંબઈ – દિબાકર બેનરજીના દિગ્દર્શન હેઠળ બનેલી અને બોક્સ ઓફિસ પર સફળ પુરવાર થયેલી હિન્દી ફિલ્મ ‘શાંઘાઈ’નું તાજેતરમાં ઈરાકના પાટનગર બગદાદમાં સ્ક્રીનિંગ કરાયું હતું. આ બાબત ઉલ્લેખનીય છે, કારણ કે ઈરાકમાં છેલ્લા ૨૦ વર્ષમાં પ્રદર્શિત કરાઈ હોય એવી આ પહેલી જ ફિલ્મ છે.

‘શાંઘાઈ’ના સ્ક્રીનિંગનું આયોજન ઈરાકના સંસદસભ્ય સફીઆ તલેબ અલ સુહૈલ દ્વારા કરાયું હતું. તે વખતે બાંગ્લાદેશના ઈરાકસ્થિત રાજદૂત પણ હાજર રહ્યા હતા.

‘શાંઘાઈ’નું પ્રદર્શન ગ્રીન ઝોનની બહારના વિસ્તારમાં કરાયું હતું. ઘણા સૈનિકોએ શૉના સ્થળે આવીને ડોકીયું કરી ગયા હતા.

સ્ક્રીનિંગ બાદ ઈરાકના સાંસ્કૃતિક બાબતો, સિનેમા અને થિયેટર વિભાગના ડિરેક્ટર ડો. શફીક અલ-માહદીએ ભારતીય ચલચિત્ર ઉદ્યોગની એમ કહીને પ્રશંસા કરી હતી કે ભારતીય ફિલ્મોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. કેટલાક ઈરાકી વક્તાઓએ કહ્યું કે આપણા દેશમાં વાણી સ્વાતંત્ર્યનો અભાવ હોવાથી આવી ફિલ્મ ક્યારેય બનાવી નહીં શકાય.

‘શાંઘાઈ’ ફિલ્મ પૂરી થયા બાદ સ્ક્રીનિંગ સ્થળે તેના વિષયના મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી જેમાં ઘણાએ આયોજક સંસદસભ્યને વિનંતી કરી આવી હતી કે વધારે ભારતીય ફિલ્મો ઈરાકમાં બતાવવામાં આવે એવા તે પ્રયત્નો કરે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood