સ્ટન્ટ ભારે પડ્યો; યુવાનનું મરણ, એક્ટ્રેસ સયાલીનો હાથ ભાંગ્યો

નવી દિલ્હી – અહીંથી નજીકના ગ્રેટર નોઈડા વિસ્તારસ્થિત એક શોપિંગ મૉલ ખાતે શનિવારે એક ઉદ્દઘાટન સમારંભ દરમિયાન બે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક સ્ટન્ટમેનનું મરણ થયું છે જ્યારે બોલીવૂડ અભિનેત્રી સયાલી ભગતને હાથમાં ઈજા થઈ છે.

શૈલેન્દ્ર કુમાર નામનો બન્જી જમ્પિંગ ટ્રેનર ગ્રેડ એડવેન્ચર મૉલના ઉદ્દઘાટન વિધિ વખતે એક સ્ટન્ટ કરતો હતો ત્યારે મૉલના સાતમા માળ નજીક દોરડું તૂટી જતાં તે ઊંચાઈએથી નીચે પડ્યો હતો. એને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ડોક્ટરોએ ત્યાં એને મૃત જાહેર કર્યો હતો.

સ્ટન્ટમેનને પડતો જોઈને ત્યાં હાજર રહેલા દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ જ પ્રસંગે આયોજિત એક અન્ય મનોરંજન કાર્યક્રમ દરમિયાન હિંચકા પર લટકવા જતા સયાલી પડી ગઈ હતી અને તેનાં હાથમાં ફ્રેક્ચર થયું છે.

તે એક જીપ રેસિંગ ઈવેન્ટમાં જોડાઈ હતી, પણ જીપ અચાનક ઊંધી વળી ગઈ હતી જેને લીધે તે ઈજા પામી હતી. સયાલીને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને સારવાર આપવામાં આવી છે.

સયાલી ભગત છેલ્લે એક્ટર શાઈની આહુજા સાથે ‘ઘોસ્ટ’ ફિલ્મમાં ચમકી હતી. તેણે ‘ધ ટ્રેન’, ‘હલ્લા બોલ’, ‘જેલ’ અને ‘નોટી એટ ફોર્ટી’ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News