ભારતે સર્જ્યો ઈતિહાસ; અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું

ભૂવનેશ્વર – ભારતે આજે દુનિયાને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે. તેણે પોતાની સૌથી શક્તિશાળી અને લાંબા અંતરની ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ, અગ્નિ-5નું પરીક્ષણ કર્યું છે અને તે સફળ રહ્યું છે.

ભારત આ પરીક્ષણ દ્વારા અડધા ભાગની દુનિયાને પોતાના હુમલાના દાયરામાં લાવી દીધી છે. અણુ બોમ્બનું વહન કરી શકનાર આ મિસાઈલના સફળ પરીક્ષણ સાથે જ ભારત એવા વિશિષ્ટ દેશોની ક્લબમાં જોડાઈ ગયું છે જેમની પાસે આવી મિસાઈલ છે. હજી સુધી આ પ્રકારની મિસાઈલ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ છે. આમ, ભારત માત્ર ચોથો જ દેશ બન્યો છે.

ઓડિશાના સમુદ્રકિનારાસ્થિત વ્હિલર દ્વિપ પરથી ગુરુવારે સવારે ૮.૦૫ વાગ્યે અગ્નિ-5 મિસાઈલને છોડવામાં આવી હતી અને તે પોતાના નિર્ધારિત લક્ષ્યને ભેદવામાં સંપૂર્ણપણે સફળ રહી હતી. આ મિસાઈલની ક્ષમતા ૫૦૦૦ કિલોમીટર દૂરના ટાર્ગેટ પર ત્રાટકવાની છે. આ મિસાઈલ આખા ચીનને આવરી લે છે તથા યુરોપમાં ખૂબ અંદર સુધી ઘૂસીને ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. તેમજ આફ્રિકાના દેશો અને નિકોબાર ટાપુઓ પરથી છોડાય તો ઓસ્ટ્રેલિયાને પણ કવર કરી શકે તેવી છે.

આ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના વડા ડો. વી.કે. સારશ્વત, તેમના સહયોગીઓ, લશ્કરના નિષ્ણાતોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આ મિસાઈલનો પ્રયોગ બુધવારે સાંજે સાત વાગ્યે કરાવાનો હતો, પણ તે વખતે બંગાળના અખાતના આકાશમાં હવામાન ખરાબ હોવાથી તેને ગુરુવાર પર મુલતવી રાખવામાં આવ્યું હતું.

આ મિસાઈલની મારક ક્ષમતા ૫૦૦૦ કિલોમીટર સુધીની છે. તેનું વજન ૫૦,૦૦૦ કિ.ગ્રા. છે. તેની લંબાઈ ૧૭.૫ મીટર છે અને આને બનાવવા પાછળ રૂ. ૨૫૦૦ કરોડનો ખર્ચ થયો છે.

પરીક્ષણ સ્થળે ડો. સારસ્વતે પત્રકારોને કહ્યું કે, ભારતે આજે દુનિયાને બતાવી દીધું છે કે તે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલ જાતે જ બનાવી શકે છે. ભારત દેશ હવે દુનિયામાં એક મિસાઈલ પાવર તરીકે સ્થાપિત થયો છે. ત્રણ-સ્તરીય અગ્નિ-5 મિસાઈલનો તમામ પરફોર્મન્સ સફળ રહ્યો છે. મિશનને લગતા તમામ હેતુઓ અને ઓપરેશનલ ટાર્ગેટ્સ સફળ રહ્યા છે.

અગ્નિ-5ને હવે બીજા અનેક કઠિન પરીક્ષણો બાદ સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે.

આ મિસાઈલ એટલી ઝડપથી કામગીરી બજાવે છે કે દુશ્મનને ખબર પડે એ પહેલા જ તે પોતાના ટાર્ગેટને ખલાસ કરી નાખે છે.

આ મિસાઈલ પ્રોજેક્ટનો આરંભ ૨૦૦૮માં શરૂ કરાયો હતો. તેને ૨૦૧૪માં લશ્કરમાં સામેલ કરવાની યોજના છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news