નવી દિલ્હી – ભારતના હવાઈ દળના વડા, એર ચીફ માર્શલ નોમન અનિલકુમાર બ્રાઉને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો પાકિસ્તાન યુદ્ધવિરામની શરતોનો ભંગ કરવાનું ચાલુ રાખશે તો ભારતને બીજાં વિકલ્પો વિચારવાની ફરજ પડશે.
પાકિસ્તાન લશ્કર દ્વારા યુદ્ધવિરામની શરતોના સતત કરાતા ભંગ અને ભારતીય જવાનો પર કરાતા ગોળીબાર અંગે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના જવાનોએ જમ્મુ-કશ્મીરના પૂંચ જિલ્લાના મેંધાર સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ભારતીય પ્રદેશમાં ઘૂસી આવીને ભારતના બે જવાની કરપીણ હત્યા કર્યા બાદ બંને દેશ વચ્ચે તંગદિલી ઊભી થઈ છે.
હવાઈ દળના વડાએ કહ્યું છે કે આપણી વચ્ચે એક અંકુશ રેખા દોરવામાં આવી છે, આપણી વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી પણ કરવામાં આવી છે, આપણે ચોક્કસ યંત્રણાથી બંધાયેલા છીએ તેથી આવી હરકત યોગ્ય ન કહેવાય. આ પ્રકારનું કોઈ પણ ઉલ્લંઘન, જે છેલ્લા અમુક મહિનાઓમાં અવારનવાર બનતું રહ્યું છે તે જરાય સ્વીકારી લેવાય એમ નથી. અમે પરિસ્થિતિ પર અત્યંત કાળજીપૂર્વક દેખરેખ રાખી રહ્યા છીએ. જો ઉલ્લંઘનની આવી હરકતો ચાલુ જ રહેશે તો અમારે નાછુટકે અન્ય વિકલ્પો વિશે વિચારવું પડશે.



















