પરત ફરેલા મુસાફરો એર ઈન્ડિયાથી નારાજ નથી

નવી દિલ્હી – સોમવારે સાંજે પાકિસ્તાનમાં કલાકો સુધી અટવાઈ ગયા બાદ સાંજે સ્વદેશ પાછા ફર્યા બાદ એર ઈન્ડિયાના મુસાફરો નિરાંતનો અનુભવ કરતા અને આનંદમાં દેખાતા હતા.

યુ. ઉન્નીકૃષ્ણન નામના એક મુસાફરે કહ્યું કે હું મારી પુત્રીને મળવા અબુ ધાબી ગયો હતો. આવું કોઈ પણ એરલાઈન સાથે બની શકે છે. આનો અર્થ એવો નથી કે હું એર ઈન્ડિયાના વિમાનમાં ક્યારેય મુસાફરી નહીં કરું. આજનો અનુભવ ડરામણો હતો, પણ સ્વદેશ પાછા ફરવાથી હું બહુ નિરાંત અનુભવું છું.

૧૯ વર્ષના અક્ષય પંડિતે કહ્યું કે, ક્રૂ મેમ્બર્સ અમારી ઘણી કાળજી લીધી હતી. તેમણે અમારી સાથે ખૂબ જ સરસ રીતે વ્યવહાર કર્યો હતો. હું તો એર ઈન્ડિયામાં ફરીથી ટ્રાવેલ કરીશ.

દિલ્હી એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના વિશેષ સચિવ અશોક તોમરે મુસાફરોનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાની સત્તાવાળાઓએ આપેલા સહકાર બદલ તોમરે આનંદ વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે, મુસાફરો સ્પેશિયલ રાહત વિમાનમાં આવી પહોંચ્યા છે. તેમનો સામાન મૂળ ફ્લાઈટ એઆઈ-940માં આવશે અને તે એમની પછવાડે આવી જ રહી છે. મુસાફરોને પાકિસ્તાની સત્તાવાળાઓ તરફથી સરસ સહકાર મળ્યો છે અને પરિસ્થિતિનો જે રીતે અંત આવ્યો છે તેનાથી અમે ખુશ છીએ.

વિમાને તાકીદનું ઉતરાણ કર્યું એ સાથે જ તેઓ સામેથી મુસાફરોની કાળજી લેવા ગયા હતા. ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરવા દેવામાં તેમણે ઘણો જ સહકાર બતાવ્યો છે. રિલીફ વિમાનને પણ ઝડપથી ક્લિયરન્સ આપી દીધું. અટવાઈ ગયેલા મુસાફરોને પીવાના પાણી તથા ગરમાગરમ ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં, તેમણે મુસાફરોને ટ્રાન્ઝિટ વિઝાની પણ ઓફર કરી હતી.

ત્યાંના એરપોર્ટ ઉપર પણ એમની પાસે તમામ જરૂરી સાધનસામગ્રી હાજર હતી તેથી આપણા એન્જિનિયરોને ઘણી મદદ મળી. પાક સત્તાવાળાઓ ઘણા જ સકારાત્મક અને મદદરૂપ થયા હતા.

વિદેશ સચિવ રંજન મથાઈ ઈસ્લામાબાદસ્થિત ભારતીય હાઈ કમિશનના સતત સંપર્કમાં રહ્યા હતા અને મુસાફરો સહીસલામત રીતે સ્વદેશ પાછા ફરે તેની કાળજી લેવાની સૂચના આપી હતી. મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે એની પણ તેમણે સૂચના આપી હતી.

સિનિયર અધિકારીઓએ નવાબશાહ ખાતેની એરપોર્ટ રેસ્ટોરાં સાથે જ નક્કી કર્યું હતું અને મુસાફરોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નવાબશાહ એરપોર્ટ નોન-શેડ્યૂલ સિવિલિયન એરપોર્ટ હોવાથી મુસાફરો પાસે વિઝા ન હોય તો બહાર જવા દેવામાં આવતા નથી.

એર ઈન્ડિયાના એન્જિનિયરો તથા ટેક્નિશિયનો રિલીફ પ્લેનમાં બેસીને નવાબશાહ ગયા હતા અને બાદમાં ત્યાં રોકાઈને મૂળ વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમનું ચેકિંગ કર્યું હતું. વોર્નિંગ બીપર વાગવા માંડતા વિમાનમાંનું એક હાઈડ્રોલિક બગડી ગયું હોવાની પાઈલટને શંકા ગઈ હતી અને તેમણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવા દેવાની પાક એરપોર્ટના સત્તાવાળાઓ પાસે પરવાનગી માગી હતી.

પાઈલટે જ્યારે કોકપીટમાં વોર્નિંગ લાઈટ ઝબૂકતા જોઈ એ વખતે વિમાન પાકિસ્તાનની હવાઈ સીમા પરથી ઊડતું હતું તેથી એણે સૌથી નજીકના એરપોર્ટ તરીકે નવાબશાહ પર ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માગી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news