પૈસા ઊભા કરવા એર ઈન્ડિયા વેચશે કિંમતી ચીજવસ્તુઓ

નવી દિલ્હી – નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલી એર ઈન્ડિયા તેમાંથી બહાર આવવા માટે તેની પાસે વર્ષોથી એકત્ર થયેલી કિંમતી ચીજવસ્તુઓને વેચી દેવા અને તેની અમુક પ્રોપર્ટીઓ ભાડા પર આપવા વિચારી રહી છે. તેની પાસે કિંમતી ચીજવસ્તુઓના સંગ્રહમાં દુર્લભ ચિત્રો, મૂર્તિઓનો સમાવેશ થાય છે જેનું તે લિલામ કરશે. સાથોસાથ મુંબઈમાં નરીમાન પોઈન્ટ સ્થિત તેની ઈમારતને ભાડા પર આપવા વિચારશે.

એર ઈન્ડિયા પાસે વિખ્યાત ચિત્રકાર સ્વ. એમ.એફ. હુસેનના પેઈન્ટિંગ્સ ઉપરાંત લાકડા પર આકર્ષક નકશીકામ, સદીઓ જૂની મૂર્તિઓ તથા અન્ય કૃત્રિમ ચીજવસ્તુઓ પણ છે. મુંબઈમાં તેની એક મુખ્ય પ્રોપર્ટી પણ છે. કંપની આ દુર્લભ ચીજવસ્તુઓનું લિલામ કરવા અને નરીમાન પોઈન્ટ વિસ્તારસ્થિત ઈમારતને ભાડા પર આપવાના મુદ્દે અંતિમ નિર્ણયને આરે છે.

કલાત્મક ચીજવસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને એ દરેકનું મૂલ્ય નક્કી કરવા માટે પણ એક પરામર્શદાતાની નિમણૂંક કરાશે. કલાત્મક ચીજવસ્તુઓને દુનિયાભરની આર્ટ ગેલેરીઓમાં ભાડા પર આપવામાં આવશે. બાદમાં એને વેચી પણ શકાશે.

સંગ્રહમાં હુસેનના ૧૮ પેઈન્ટિંગ્સનો સમાવેશ થાય છે. અમુક ચિત્રો તો ૧૯૪૦ના દાયકાના છે. લિલામમાં કદાચ આવા એક ચિત્રની કિંમત પાંચથી છ કરોડ રૂપિયા સુધી મળી શકે છે.

એર ઈન્ડિયા પાસે ૪૦૦ જેટલી કલાત્મક ચીજવસ્તુઓ છે જે હાલ ન્યૂ યોર્ક, લંડન અને પેરિસમાં તેના કાર્યાલયોમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે.

મુંબઈમાં નરીમાન પોઈન્ટ ખાતે એર ઈન્ડિયાની ૨૨ માળની ઈમારત છે. એમાં ઉપરના ત્રણ માળ છોડીને બાકીના બધા માળ ભાડેથી આપવાની કંપનીની યોજના છે. એનાથી કંપનીને વાર્ષિક રૂ. ૩૦-૪૦ કરોડની આવક થવાનો અંદાજ છે. ભાડા પર આપતા પહેલા કંપની જાહેરખબર આપશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business