વિશ્વની સૌથી ખરાબ એરલાઈન્સઃ એર ઈન્ડિયા ત્રીજા નંબરે

વોશિંગ્ટન – વિશ્વમાં સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી ખરાબ એરલાઈન્સમાં એર ઈન્ડિયાને ચાઈના એરલાઈન્સ અને બ્રાઝિલની TAM એરલાઈન્સ બાદ ત્રીજો નંબર મળ્યો છે.

દુનિયાભરમાં વિમાન દુર્ઘટનાઓ પર દેખરેખ રાખતી એક વેબસાઈટના અહેવાલમાં આ જણાવવામાં આવ્યું છે.

જર્મનીના હેમ્બર્ગસ્થિત જેટ એરલાઈનર ક્રેશ ડેટા ઈવેલ્યૂએશન સેન્ટર વેબસાઈટે વિશ્વની સૌથી સુરક્ષિત એવી ૬૦ એરલાઈન્સના નામોની યાદી તૈયાર કરી છે. એમાં એર ઈન્ડિયાનો નંબર ૫૮મો છે.

વર્ષ ૨૦૧૨ના સેફ્ટી રેન્કિંગ્સ પર આધારિત આ યાદીમાં ફિનએર પહેલા નંબર પર છે. ત્યારબાદ આવે છે, એર ન્યૂ ઝીલેન્ડ, કેથે પેસિફિક અને એમિરેટ્સ.

યાદીમાંની ટોચની ૯ એરલાઈન્સનું એકેય વિમાન છેલ્લા ૩૦ વર્ષમાં દુર્ઘટનાગ્રસ્ત થયું નથી કે એવો કોઈ અકસ્માત થયો નથી જેમાં તેમના મુસાફરનું મરણ થયું હોય. જો કે છેલ્લા ૩૦ વર્ષમાં આમાંની ઘણી એરલાઈન્સ પૂરેપૂરી સક્રિય રહી નથી.

આ યાદીમાં ટોપ-10માં ઉત્તર અમેરિકાની એકેય એરલાઈને સ્થાન મેળવ્યું નથી. જો કે છેલ્લી ૧૦ એરલાઈન્સમાં પણ તેનું નામ નથી એ પણ નોંધવું રહ્યું.

ઉક્ત સેન્ટર તેનાં વાર્ષિક રેન્કિંગ્સ માટે છેલ્લા ૩૦ વર્ષના સમયગાળામાં દુર્ઘટનામાં વિમાનના થયેલા નાશ તથા ગંભીર ઘટનાઓને આધાર ગણે છે.

ગયા વર્ષે કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પર ૪૯૬ જણનાં મરણ નિપજ્યા હતા. ૨૦૧૧માં તે આંકડો ૪૯૮ હતો.

ગયા વર્ષે સૌથી ગમખ્વાર વિમાન દુર્ઘટના નાઈજિરીયામાં થઈ હતી, જેમાં ડાના એરનું વિમાન તૂટી પડતાં ૧૬૯ જણ માર્યા ગયા હતા. ત્યારપછીના નંબરે આવે છે પાકિસ્તાનની ભોજા એર, જેનું વિમાન તૂટી પડતાં ૧૨૭ જણ માર્યા ગયા હતા.

ગયા વર્ષે વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાઓ કે અકસ્માતોમાં કુલ ૩૦ વિમાન નાશ પામ્યા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business