મુંબઈ – એક ચોંકાવનારી ઘટનામાં, જાણીતા પંજાબી લેખિકા સ્વ. અમ્રિતા પ્રિતમનાં પુત્ર નવરાજ ક્વાત્રા અહીં હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા છે. આ ઘટના શુક્રવારે અહીંના બોરીવલી ઉપનગરમાં બની હતી. ૬૫ વર્ષીય ક્વાત્રાની તેમના ફોટો સ્ટુડિયોની અંદર ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી.
વ્યવસાયે ફોટોગ્રાફર ક્વાત્રા બોરીવલી (વેસ્ટ)માં એલઆઈસી કોલોની સ્થિત એમના નિવાસસ્થાન-કમ-ફોટો સ્ટુડિયોમાં ભેદી સંજોગોમાં મૃત મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, ક્વાત્રા અંધેરીમાં રહેતા હતા, પણ બોરીવલીની એલઆઈસી કોલોની સ્થિત વાઈલ્ડરનેસ એપાર્ટમેન્ટમાં આવેલા તેમના ફ્લેટ-કમ-સ્ટુડિયોમાં અવારનવાર આવતા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે એમનું ગળું ઘોંટીને હત્યા કરવામાં આવી હોવાનું મનાય છે.
પડોશીઓએ બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે બે પુરુષને નવરાજ ક્વાત્રાના ઘરમાં જતા જોયા હતા. થોડીક વાર પછી તેમને તીવ્ર ચીસ સંભળાઈ હતી, પણ એ ચીસ કઈ બાજુએથી આવી હતી એની તેમને ખાતરી નથી. પડોશીઓ ઉપરના માળ તરફ દોડ્યા હતા, પણ બાદમાં એમને થયું કે ચીસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ક્વાત્રાના સ્ટુડિયોમાંથી આવી હતી. એમણે સ્ટુડિયોની ડોર બેલ વગાડી હતી, પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. સ્ટુડિયો અંદરથી બંધ હતો. એમણે ઘણી વાર સુધી દરવાજો ખખડાવ્યો હતો, પણ કોઈ જવાબ મળ્યો નહોતો. તેથી તેમણે બારીમાંથી અંદર જોયું હતું. અચાનક, બે જણે દરવાજો ઉઘાડ્યો અને ઘરમાંથી બહાર દોડીને ભાગી ગયા.
ત્યારબાદ પડોશીઓ ઘરની અંદર ગયા હતા અને જોયું તો ક્વાત્રા મૃત હાલતમાં પડ્યા હતા. એમના ચહેરા પર કપડું વીંટાળેલું હતું અને તેમના હાથ-પગ દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા.
એમને તરત જ નજીકની ભગવતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પડોશીઓએ કરેલા વર્ણનના આધારે પોલીસો શકમંદોના સ્કેચ તૈયાર કરાવી રહ્યા છે.



















