લંડન – ભારતીય વિદ્યાર્થી અનુજ બિડવેની હત્યા કર્યા બાદ પોતાને ‘પાગલ’ તરીકે ઓળખાવનાર હત્યારા કિઆરા સ્ટેપલ્ટનને અહીં એક સ્થાનિક અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે જેમાં મિનિમમ ૩૦ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
ગયા વર્ષે બોક્સિંગ ડેના દિવસે સ્ટેપલ્ટન ગ્રેટર માન્ચેસ્ટરના સાલફોર્ડના એક રસ્તા પર ચાલતા જતા અનુજ બિડવે (૨૩) પાસે ગયો હતો અને ખૂબ નજીકથી તેને માથામાં ગોળી મારીને ઠાર કર્યો હતો.
જજે હત્યારા સ્ટેપલ્ટનને કહ્યું કે તેં ઠંડા કલેજે, આક્રમક મિજાજ સાથે કૃત્ય કર્યું છે. એટલું જ નહીં તેં બિડવેને ઠાર કર્યા બાદ અને કોર્ટમાં કાર્યવાહી દરમિયાન હસ્યા કરીને તારી કઠોરતા અને ગેરવર્તનનું વરવું પ્રદર્શન કર્યું છે.
૨૧ વર્ષના સ્ટેપલ્ટને પોતાના બચાવમાં કરેલી દલીલને નકારી કાઢીને કોર્ટે એને ગુરુવારે દોષી જાહેર કર્યો હતો.
સ્ટેપલ્ટન વહેલી સવારના સમયે રસ્તા પર અનુજને ઠાર કર્યા બાદ એના મૃતદેહ પાસે ઊભો રહીને મોટેથી હસ્યો હતો. એટલું જ નહીં, પાંચ અઠવાડિયા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી દરમિયાન એ વારંવાર હસતો રહ્યો હતો.
કોર્ટના ચુકાદા બાદ બિડવેના પિતા સુભાષ બિડવેએ કહ્યું કે સ્ટેપલ્ટનને જેલમાંથી ક્યારેય છોડવો ન જોઈએ.
અનુજની પત્ની યોગિની ગુરુવારે રાત્રે સાલફોર્ડના એ સ્થળે ગઈ હતી જ્યાં એના પતિની હત્યા કરવામાં આવી હતી અને ત્યાં પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હવે બિડવેના પરિવારજનો શુક્રવારે સ્વદેશ પાછા ફરશે.
અનુજ લેન્કેસ્ટર યુનિવર્સિટીમાં માઈક્રો-ઈલેક્ટ્રોનિક્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બ્રિટન આવ્યો હતો અને ગયા વર્ષે નાતાલના દિવસે મોજમજા કરવા તેના કેટલાક મિત્રો સાથે ગયો હતો, પણ ત્યાં સ્ટેપલ્ટને એને ઠાર કર્યો હતો.





















