મુંબઈ – ગયા મહિને અહીં અહીંના ઉપનગર જુહૂ સ્થિત ઓકવૂડ્સ હોટેલમાં યોજાયેલી રેવ પાર્ટીના પ્રકરણમાં પકડાયેલા જે ૪૪ જણના શંકાસ્પદ ડ્રગ્સ માટેના બ્લડ ટેસ્ટ રિપોર્ટ્સ પોઝિટીવ આવ્યા છે તેમાં પરદેસ જેવી હિન્દી ફિલ્મો તેમજ ટીવી સિરીયલોના અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રી અને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન બિશનસિંહ બેદીના પુત્ર અંગદ બેદી, ફેશન ડિઝાઈનર રોકી-Sનો પણ સમાવેશ થાય છે.
પોલીસે આ તમામ ૪૪ જણને સમન્સ મોકલાવ્યું છે અને જો તેઓ પોલીસ પાસે હાજર નહીં થાય તો એમની ધરપકડ થવાનો સંભવ છે.
જેમના બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે તેમાં બોલીવૂડ નિર્માતા રાહુલ દહિયા, મોડેલ કાર્તિક જોબનપુત્રા, એક્ટર અમિત ગૌરનો પણ સમાવેશ થાય છે.
રેવ પાર્ટીમાં ચરસ અને એમડીએમએ (એક્સટેસી) જેવા માદક દ્રવ્યોનું સેવન કરવામાં આવ્યું હતું હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસનો દાવો છે કે હોટેલમાં એમડીએમએની સાથે લગભગ ૧૧૦ ગ્રામ કોકેન અને ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.
તે પાર્ટી પર દરોડો પાડીને પોલીસે ૧૦૦ જણને પકડ્યા હતા. એમાંના ૪૬ના બ્લડ સેમ્પલના પરીક્ષણનો રિપોર્ટ આવી ગયો છે અને તેમાંના ૪૪ જણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને તેઓ દોષી ઠર્યા છે.
પોલીસે તે પાર્ટીના આયોજક વિશેષ વિજય હાન્ડાની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
પકડાયેલા તમામના બ્લડ અને યુરીન સેમ્પલ્સ તબીબી પરીક્ષણ માટે લીધા બાદ બીજા દિવસની સવારે તમામને જવા દેવામાં આવ્યા હતા.
અગાઉ, અપૂર્વ અને તેની અભિનેત્રી પત્ની શિલ્પાએ પત્રકાર પરિષદ બોલાવીને દાવો કરેલો કે તેઓ ઓક્વૂડ્સ હોટેલમાં એક મિત્રની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા ગયા હતા.



















