હૈદરાબાદ- એમઆઈએમનાં પ્રમુખ અને હૈદરાબાદનાં કટ્ટરવાદી સંસદસભ્ય અસાદુદ્દીન ઓવૈસીની જામીન અરજી પર આજે સ્થાનિક કોર્ટમાં સુનાવણી થશે. અસાદુદ્દીનની ધરપકડનાં વિરોધમાં તેમના સમર્થકોએ આંધ્રપ્રદેશનાં અનેક ભાગોમાં બંધનું એલાન કર્યું હોવાને કારણે જનજીવનને માઠી અસર પડી છે. હૈદરાબાદ અને મુસ્લિમ વિસ્તારોમાં શાળા-કોલેજો અને બજારોને બંધ રાખવામાં આવી છે.
અસાદુદ્દીનના નાના ભાઈ અને વિધાનસભ્ય અકબરુદ્દીન ઓવૈસી કોમી ઉશ્કેરણીવાળા ભાષણો કરવાના આરોપસર હાલ જેલમાં છે. અસાદુદ્દીનને સાત વર્ષ જુના સરકારી કામમાં ખલેલ પહોંચાડવાનાં એક કેસમાં સોમવારે જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમની ધરપકડ કરાયા બાદ હૈદરાબાદનાં વિસ્તારોમાં હિંસક દેખાવો થયા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૫ની સાલમાં મેડક જિલ્લાના તે વખતના કલેક્ટરને ગાળો દેવાના એક કેસના સંબંધમાં અસાદુદ્દીન ઓવૈસી આજે સોમવારે અહીં પોલીસને શરણે આવી ગયા બાદ પોલીસે એમને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે એમને ૧૪-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.



















