મુંબઈ – ૨૬/૧૧ મુંબઈ ટેરર હુમલાનો લશ્કર-એ-તૈબાનો હેન્ડલર અબુ જંદાલ જ્યાંથી પકડાયો છે તે મહારાષ્ટ્રનું મરાઠવાડા ક્ષેત્ર ઝડપથી નવું પાકિસ્તાન બની રહ્યું છે એવી ટકોર શિવસેનાના વડા બાલ ઠાકરેએ કરી છે.
પાર્ટીના મુખપત્ર અને દૈનિક અખબાર સામનામાં લખેલા તંત્રીમાં ઠાકરેએ કહ્યું છે કે, મરાઠવાડા, જે અગાઉ સંતોની ભૂમિ તરીકે પ્રખ્યાત હતી આજે ત્રાસવાદીઓનો અડ્ડો બની ગયું છે.
છેલ્લા પાંચથી છ વર્ષમાં દેશમાં જે કોઈ પણ સ્થળે ત્રાસવાદી કૃષ્ય થયું છે તેનું કનેક્શન મરાઠવાડા સુધી પહોંચ્યું છે. આ ક્ષેત્ર ત્રાસવાદીઓની ભરતીનું જાણે કેન્દ્ર બની ગયું છે. આનું કારણ સરકાર અને ગૃહ મંત્રાલયની બેદરકારી છે, એવો ઠાકરેનો દાવો છે.
‘ઘાટકોપરના બોમ્બ ધડાકા હોય, પુણેની જર્મન બેકરીમાંનો બ્લાસ્ટ હોય કે ગુજરાતનો ધડાકા હોય, તે કૃત્યોમાં સંડોવાયેલા ત્રાસવાદીઓ મરાઠવાડાના છે. મરાઠવાડામાં નવું પાકિસ્તાન આકાર લઈ રહ્યું છે જે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર દેશ માટે ખતરનાક છે,’ એમ ઠાકરે ચેતવણી આપે છે.
‘ત્રાસવાદી કૃત્યોની ધમકીઓને ડામવા મુંબઈ પોલીસ શું પગલાં લે છે એ મને કંઈ સમજાતું જ નથી. પોલીસનું ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ શું કરે છે, તે એક કોયડો છે…, એવું ઠાકરે કહે છે.



















