ટેટ્રા ટ્રક કેસઃ બીઈએમએલના વડા નટરાજન સસ્પેન્ડ

નવી દિલ્હી – તપાસનીશ એજન્સી સીબીઆઈની ભલામણને પગલે સંરક્ષણ મંત્રાલયે ટેટ્રા ટ્રક ખરીદી કેસના સંબંધમાં બીઈએમએલ કંપનીના વડા વી.આર.એસ. નટરાજનને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, લશ્કરના ભૂતપૂર્વ વડા, જનરલ વી.કે. સિંહે એવો આરોપ મૂક્યો હતો કે ટેટ્રા કંપનીની ૬૦૦ ટ્રકોની ખરીદીના એક સોદાને મંજૂરી આપવા માટે તેમને રૂ. ૧૪ કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયની પરવાનગી વગર જનરલ વી.કે. સિંહને બદનક્ષીની નોટિસ આપવા બદલ મંત્રાલયે થોડા જ દિવસ પહેલા નટરાજનને કારણદર્શક નોટિસ મોકલાવી હતી અને હવે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિતાંષુ કારનું કહેવું છે કે ટેટ્રા કેસમાં તપાસ યોગ્ય રીતે આગળ વધારી શકાય તે માટે નટરાજનને તેમના હોદ્દા પરથી દૂર રાખવા જોઈએ એવી સીબીઆઈએ કરેલી ભલામણને પગલે સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ પી. દ્વારકાનાથને સોંપવામાં આવ્યો છે જે બીઈએમએલના ડિરેક્ટર છે.

ગઈ ૩૧ મેએ સેનાના વડા પદેથી નિવૃત્ત થયેલા જનરલ સિંહે ગયા માર્ચમાં આરોપ મૂક્યો હતો કે બીઈએમએલ પાસેથી ૬૦૦ ટેટ્રા ટ્રકોની ખરીદીનો સોદો મંજૂર કરવાના બદલામાં એક ભૂતપૂર્વ અધિકારીએ તેમને રૂ. ૧૪ કરોડની લાંચની ઓફર કરી હતી. આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે.

ગઈ ૧ જૂને બીઈએમએલના વડા નટરાજને બેંગલોરમાં પત્રકાર પરિષદ બોલાવી હતી અને બીઈએમએલ કંપની તથા તેની પ્રોડક્ટ્સ વિરુદ્ધ બદનામીભર્યા નિવેદનો કરવા બદલ જનરલ સિંહને માફી માગવા કહ્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news