મુંબઈ – ૨૦૦૨ના બેસ્ટ બેકરી કેસમાં મુંબઈ હાઈ કોર્ટે ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે અન્ય પાંચ જણને નિર્દોષ છોડી મૂક્યા છે.
ન્યાયમૂર્તિઓ વી.એમ. કાનડે અને પી.ડી. કોડેની વિભાગીય બેન્ચે આ ૯ આરોપીઓ દ્વારા નોંધવામાં આવેલી અપીલના સંદર્ભમાં ઉપર મુજબ ઓર્ડર આપ્યો છે. આરોપીઓને નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી અને તેમણે એ ચુકાદાને પડકાર્યો હતો.
૬ વર્ષ પહેલા આજીવન કેદની સજા ફરમાવતા નીચલી અદાલતના ચુકાદાને પડકારતી ૯ આરોપીઓની અરજી પર ન્યાયાધીશોની બેન્ચે ગયા માર્ચથી રોજેરોજ સુનાવણી શરૂ કરી હતી.
બેન્ચે બચાવ તેમજ ફરિયાદી, બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન ૨૦૦૨ની ૧ માર્ચે વડોદરામાં હનુમાન ટેકરી પર આવેલી બેસ્ટ બેકરીને ૨૦ જણના એક હિંસક ટોળાએ આગ લગાડી હતી જેને લીધે ત્યાં આશરો લેનાર ૧૪ જણ માર્યા ગયા હતા.
કુલ ૧૭ આરોપીઓમાંથી મુંબઈની સ્પેશિયલ અદાલતે ૨૦૦૬માં ૯ જણને કસુરવાર જાહેર કર્યા હતા અને આજીવન કેદની સજા ફરમાવી હતી. તે ૯ આરોપીઓએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
૯ આરોપીઓમાંથી કોર્ટે સંજય ઠક્કર, બહાદુરસિંહ ચૌહાણ, સાનાભાઈ બારીયા અને દિનેશ રાજભરની આજીવન સજાને કાયમ રાખી છે. જ્યારે રાજુભાઈ બારીયા, પંકજ ગોસાઈ, જગદીશ રાજપૂત, શૈલેષ તડવી અને સુરેશ વસાવાને નિર્દોષ છોડી દીધા છે.



















