બેસ્ટ બેકરીના સાક્ષીઓ માટેનું વળતર કોર્ટે વધારીને કર્યું ૩ લાખ

મુંબઈ – ગોધરાકાંડ બાદ વડોદરામાં થયેલા બેસ્ટ બેકરી રમખાણ કેસમાં ચાર મહત્વના સાક્ષીઓને ગુજરાત સરકારે આપેલા રૂ. ૨૦૦૦ના વળતરને અપૂરતું ગણાવી મુંબઈ હાઈ કોર્ટે રૂ. ૩ લાખ સુધી વધારી દીધું છે. કોર્ટે કહ્યું કે સાક્ષીઓએ જે યાતના ભોગવી છે તે જોતાં એમને અપાયેલું વળતર અપૂરતું છે.

કોર્ટે સોમવારે આ કેસમાં નિર્ણય લેતી વખતે બેકરીના ચાર કર્મચારીઓએ આપેલી જુબાની પર ઘણો આધાર રાખ્યો હતો. તે કર્મચારીઓને રમખાણો દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. કોર્ટે આ સાક્ષીઓની જુબાનીને આધારે કુલ ૯માંના ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી છે તથા અન્ય પાંચ જણને પુરાવાના અભાવે છોડી મૂક્યા છે.

ઝાહીરા શેખ અગાઉ આ કેસમાં સાક્ષીદાર તરીકે હતી, પણ બાદમાં એ ફરી ગઈ હતી.

ન્યાયમૂર્તિઓ વી.એમ. કાનડે અને પી.ડી. કોદેની વિભાગીય બેન્ચે તેના ચુકાદામાં કહ્યું છે કે સાક્ષીઓએ જે યાતના ભોગવી છે તે જોતાં તેમને અપાયેલું વળતર અપૂરતું છે. તેથી અમે ગુજરાત સરકારને આદેશ આપીએ છીએ કે તે આ ચારેય સાક્ષીઓને પ્રત્યેકને માટે રૂ. ૩ લાખ વળતર પેટે જમા કરાવે.

આ ચાર સાક્ષીઓ છે – તુફીલ અહમદ સિદ્દીકી, રઈસ ખાન, શેહઝાદ ખાન પઠામ અને શૈલુન ખાન પઠાણ.

કોર્ટે કહ્યું કે આ કેસમાં ઘણા સાક્ષીઓ ફરી ગયા છે તેથી રાજ્ય સરકારે સાક્ષીઓને રક્ષણ પૂરું પાડવાની કોઈક યંત્રણા ઘડી કાઢવી જોઈએ.

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને આગ લગાડવામાં આવ્યા બાદ તેમાં મુસાફરી કરતા ૫૯ હિન્દુ કારસેવકો જીવતા બળી મર્યાની ઘટનાના બે દિવસ બાદ, ૨૦૦૨ની ૧ માર્ચે વડોદરાની બેસ્ટ બેકરી પર ૨૦ જણના એક હિંસક ટોળાએ હુમલો કર્યો હતો. તેમણે બેકરીના મકાનને આગ લગાડી હતી જેને લીધે ત્યાં આશરો લેનાર ૧૪ જણ જીવતા સળગી ગયા હતા. ટોળાએ બેકરી ચલાવતા શેખ પરિવાર સહિતના મુસ્લિમોને ટાર્ગેટ બનાવ્યા હતા જેમણે ત્યાં લીધો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS