વોશિંગ્ટન – લુઈસિયાના સ્ટેટના ભારતીય-અમેરિકન ગવર્નર અને રીપબ્લિકન પાર્ટીના સભ્ય બોબી જિંદાલે મિટ રોમ્નીને ૨૦ લાખ ડોલર એકત્ર કરવામાં મદદ કરી છે. આ સાથે એવી અટકળો વહેતી થઈ છે કે નવેંબરમાં નિર્ધારિત યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર રોમ્નીના ડેપ્યૂટી (ઉપરાષ્ટ્રપતિ પદ) તરીકે જિંદાલ દાવેદારી મેળવી શકે છે.
લુઈસિયાનાના બેટન રુજમાં રોમ્ની સાથે લંચટાઈમ ફંડરેઈઝર ખાતે ઉપસ્થિત થયેલા જિંદાલે વર્તમાન યુએસ પ્રમુખ બરાક ઓબામાને અસમર્થ કહ્યા હતા અને ઓબામાના રાજકારણને અમેરિકાની જનતા માટે વધારે પડતું ઉદાર ગણાવ્યું હતું.
‘આ પ્રમુખ, પ્રમુખ ઓબામામાં એમના પોતાના રેકોર્ડ પર કે એમની રાજકીય વિચારસરણી પર ચૂંટણી લડવાની આવડત નથી. એટલે એમણે ગવર્નર રોમ્નીના રેકોર્ડ પર પ્રહાર કરવો જ પડે. ઓબામાના પ્રચારકો નેગેટિવ યુક્તિઓ અપનાવી રહ્યા છે,’ એમ જિંદાલે રોમ્નીના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું.
બીજી બાજુ, રોમ્નીની પ્રશંસા કરતા જિંદાલે કહ્યું કે, મને એ વાતની બહુ ખુશી છે કે રોમ્ની એક સફળ બિઝનેસમેન છે અને વ્હાઈટ હાઉસમાં કોઈ નિષ્ફળ બિઝનેસમેન આવે એવું તો તમે નહીં જ ઈચ્છો.
સોમવારના લંચ વખતે લગભગ ૪૦ ડોનર્સે હાજરી આપી હતી જે માટે પ્લેટની કિંમત ૫૦,૦૦૦ ડોલર રાખવામાં આવી હતી.



















