ચેન્નઈ – લીગ રાઉન્ડમાં નંબર-વન બનેલી દિલ્હી ડેરડેવિલ્સ ટીમને શુક્રવારની ક્વૉલિફાયર-2 મેચમાં ૮૬ રનથી ભૂંડો પરાજય આપીને ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-5ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ સુપર કિંગ્સ છેલ્લા બે વર્ષથી આઈપીએલ ટ્રોફી જીતતા આવ્યા છે અને આ વખતે પણ જીતીને હેટ-ટ્રિક કરવાના મૂડમાં છે. હવે તેમની આડે માત્ર એક જ અવરોધ છે, કોલકાતા નાઈટ રાઈડર્સ. ૨૭મીના રવિવારે ફાઈનલ મેચમાં નાઈટ રાઈડર્સ અને સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો
ગૌતમ ગંભીરના સુકાનીપદ હેઠળની કોલકાતા ટીમ પહેલેથી જ ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. ક્વૉલિફાયર-1 મેચમાં તેણે પણ દિલ્હી ડેરડેવિલ્સને જમીનદોસ્ત કરી દીધા હતા.
શુક્રવારની મેચમાં ટોસ હારી જતાં પહેલા બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ચેન્નઈએ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયના ૧૧૩ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૨૨૨ રનનો જંગી સ્કોર ખડો કરી દીધો હતો. તેના જવાબમાં ડેરડેવિલ્સ ટીમ ૧૬.૫ ઓવરમાં માત્ર ૧૩૬ રન જ કરી શકી. એકમાત્ર મહેલા જયવર્દનેએ ચેન્નઈના બોલરોનો હિંમતપૂર્વક સામનો કર્યો અને ૫૫ રન કર્યા.
મુરલી વિજયે જોરદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે એના ૫૮ બોલના દાવમાં ચાર સિક્સર અને ૧૫ બાઉન્ડરી ફટકારી હતી. માઈકલ હસીએ ૨૦, સુરેશ રૈનાએ ૨૭, કેપ્ટન ધોનીએ ૨૩ રન કર્યા હતા તો દાવના અંત ભાગમાં ડ્વેન બ્રાવોએ ૧૨ બોલમાં બે છગ્ગા, ત્રણ ચોગ્ગા સાથે ૩૩ રન કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું.
વિજયના પ્રહારો સામે દિલ્હીના બોલરો વામણા સાબિત થયા હતા.
બાદમાં, દિલ્હીના દાવને વહેલો આટોપી લેવામાં ચેન્નઈના ઓફ્ફ સ્પિનર આર. અશ્વિને ૨૩ રનમાં ત્રણ વિકેટ લઈને મુખ્ય ભૂમિકા ભજવી તો શાદાબ જકાતીએ બે તથા બેન હિલ્ફેનહોસ, એલ્બી મોર્કેલ અને બ્રાવોએ એક-એક વિકેટ લઈને તેને સાથ આપ્યો હતો.
આઈપીએલની આ પાંચમી મોસમ છે અને ચેન્નઈએ આ ચોથી વાર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ વર્ષે તેનો ફાઈનલ પ્રવેશ લગાતાર ત્રીજો છે.



















