મુંબઈ ઈન્ડિયન્સને IPL-5માંથી એલિમિનેટ કરી દીધા ચેન્નઈએ

બેંગલોર – છેલ્લા બે વર્ષથી આઈપીએલ ટ્રોફી જીતતી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ વિજેતાપદની હેટ-ટ્રિક કરવા માટે એક કદમ ઓર આગળ વધી છે. બુધવારે અહીં તેણે બીજી પ્લેઓફ મેચ, એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સને ૩૮ રનથી પરાજય આપ્યો છે.

ચેન્નઈએ તેની ૨૦ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૮૭ રન કર્યા હતા. મુંબઈની ટીમ તેના જવાબમાં ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૪૯ રન કરી શકી.

આજે પરાજય થતાં મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-5માંથી આઉટ થઈ ગઈ છે.

હવે ચેન્નઈનો મુકાબલો શુક્રવારે ચેન્નઈમાં ક્વૉલિફાયર-2માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ સામે થશે જે પહેલી ક્વૉલિફાયરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પરાજિત થઈ હતી. કોલકાતા ટીમ ૨૭મીએ નિર્ધારિત ફાઈનલ મેચમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો શુક્રવારની મેચની વિજેતા ટીમ સામે થશે.

એલિમિનેટર મેચમાં ચેન્નઈની જીતનો ખરો હકદાર તેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે, જે ૫૧ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. રનની આતશબાજી કરીને ધોનીએ તે ૫૧ રન માત્ર ૨૦ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી કર્યા હતા. એમાં તેને સાથ મળ્યો હતો ડ્વેન બ્રાવોનો, જે ૧૪ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૩ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તે પહેલા, માઈકલ હસીએ ૪૯, એસ. બદ્રીનાથે ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. સુરેશ રૈના ઝીરો પર આઉટ થયો હતો તો મુરલી વિજય અને રવિન્દ્ર જાડેજા માત્ર એક-એક રન જ કરી શક્યા હતા.

ટોસ જીતીને ફિલ્ડિંગ લેનાર મુંબઈના દાવનો આરંભ મારફાડ બેટ્સમેન ડ્વેન સ્મીથ અને સચીન તેંડુલકરે ધમાકેદાર કર્યો હતો. બંનેએ પહેલી વિકેટ માટે ૪૭ રન કર્યા હતા, પણ સચીન (૧૧) રનઆઉટ થતાં ટીમના ધબડકાનો પણ આરંભ થયો હતો. સ્મીથ લાંબું ટક્યો નહોતો અને ૩૮ રન કરીને પેવિલિયનમાં પાછો ફર્યો. તેણે પોતાના ૨૨ બોલના દાવમાં બે છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

ત્યારબાદ દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, જેમ્સ ફ્રેન્કલીન, કિરોન પોલાર્ડ જેવા ધરખમ બેટ્સમેનો પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, News