નવી દિલ્હી – નવા નાણાં પ્રધાન પી. ચિદમ્બરમનું કહેવું છે કે એમણે ફૂગાવાને નાથવા, અર્થતંત્રને વેગ આપવા અને વિદેશી ઈન્વેસ્ટરોને ભારતમાં મૂડીરોકાણ કરવા આકર્ષિત કરવા એક યોજના ઘડી કાઢી છે.
ચિદમ્બરમે વચન આપ્યું છે કે લાંબા સમયથી વણઉકલ્યા રહેલા ટેક્સ વિવાદોનો ઉકેલ લાવવા રીટ્રોસ્પેક્ટિવ ટેક્સની જોગવાઈઓ અંગે ફેરવિચારણા કરશે. તેમજ ઈન્વેસ્ટમેન્ટનો આંતર-પ્રવાહ વધે એ માટે ક્લિયરન્સ પ્રક્રિયાને ઝડપી બનાવશે.
ચિદમ્બરમે કહ્યું છે કે હું ઈન્વેસ્ટરોનો ભારતમાંનો વિશ્વાસ પાછો આવે એવું ઈચ્છે છે. એને માટે નાણાકીય ખાધ ઘટાડવાના પગલાં લેવા પડશે. એ માટે વિજય કેળકરના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. દેશમાં વધારે મૂડી લાવવા માટે નીતિઓમાં ફેરફાર કરાશે અને ટેક્સની સરળ નીતિઓની જાહેરાત કરવામાં આવશે.
નાણાં પ્રધાને વિશ્વાસ સાથે કહ્યું કે દેશનું અર્થતંત્ર પડકારોનો સામનો કરવા સક્ષમ છે અને ટૂંક સમયમાં જ ઉંચો વિકાસ દર ફરી હાંસલ કરી લેશે.
દેશમાં ઘણા રાજ્યોમાં દુકાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે એની નોંધ પણ તેમણે લીધી છે.



















