નવી દિલ્હી – પાકિસ્તાને કબૂલ કરી લેવું જોઈએ કે હાલમાં પકડાયેલો ત્રાસવાદી ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલ ૨૦૦૮ના મુંબઈ ટેરર હુમલાઓમાં સંડોવાયેલો છે, એવું કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું છે.
અહીં પત્રકારો સાથે વાતચીત કરતા ચિદમ્બરમે કહ્યું કે, જુંદાલ પાકિસ્તાન ગયો હતો એવું પાકિસ્તાને કબૂલ કરવું જોઈએ. એ એવા ગ્રુપનો સભ્ય હતો જેણે મુંબઈ હુમલાઓનો પ્લાન ઘડેલો અને હુમલાઓમાં જોડાયેલા અજમલ કસાબ તથા અન્ય ૯ ત્રાસવાદીઓને તાલીમ આપી હતી. જુંદાલ મુંબઈ હુમલાઓના હેન્ડલર્સ અને સૂત્રધારોમાંનો એક છે.
‘જુંદાલ તો ભારતીય નાગરિક છે અને તેણે કરેલા કૃત્યો માટે પાકિસ્તાનને દોષ દેવો ન જોઈએ’ એવા પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે કરેલી ટકોર અંગેના સવાલનો ચિદમ્બરમે ઉપર મુજબ જવાબ આપ્યો હતો.
‘અબુ જુંદાલ ભારતીય છે એ વિશે હું રહેમાન મલિક સાથે સહમત થાઉં છું, પણ એને પાકિસ્તાનમાં આશરો આપવામાં આવ્યો હતો. પાકિસ્તાને એ હકીકતનો પણ એકરાર કરવો જોઈએ કે તેમણે જુંદાલને પાસપોર્ટ આપ્યો હતો. એની પાસેથી બે આઈડેન્ટિટી કાર્ડ મળ્યા છે,’ એમ ચિદમ્બરમે કહ્યું.
જુંદાલને સાઉદી અરેબિયામાંથી દેશનિકાલ કરાયા બાદ ગઈ ૨૧ જૂને નવી દિલ્હીના એરપોર્ટ તેને પકડવામાં આવ્યો હતો. ૧૦ કથિત પાકિસ્તાની ત્રાસવાદીઓએ કરેલા ૨૬/૧૧ મુંબઈ ટેરર હુમલાઓમાં જુંદાલ સંડોવાયો હોવાનું કહેવાય છે. મુંબઈના હુમલાઓમાં વિદેશી નાગરિકો સહિત ૧૬૬ જણ માર્યા ગયા હતા.



















