પાંચ શહેર… પાંચ હસ્તી ને વાત ‘ચિત્રલેખા’ વિશેષાંકની…

‘ચિત્રલેખા’ના દળદાર વાર્ષિક વિશેષાંકનું ગુરુવારે એકસાથે પાંચ શહેરમાં પાંચ જાણીતી હસ્તીના હાથે એક જ સમયે વિમોચન કરવામાં આવ્યું હતું. કોઈ પણ સામયિકના વિશેષાંકનું વિભિન્ન શહેરોમાં એક જ સમયે લોકાર્પણ કરવાનો આ પહેલો અવસર હતો.

‘ચિત્રલેખા’ની લોકપ્રિય કટાર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાએ અમદાવાદમાં આ વિશેષાંકનું વિમોચન કર્યું તો રાજકોટમાં ખાદીગ્રામોદ્યોગ કમિશનના ચૅરમૅન અને જાણીતા ગાંધીવાદી દેવેન્દ્ર દેસાઈએ આ વિશેષાંકનું લોકાપર્ણ કર્યું. બીજી તરફ, મુંબઈમાં ફાઈનાન્સિયલ ટેક્નોલોજિસના ચૅરમૅન જિજ્ઞેશ શાહના હસ્તે ‘ચિત્રલેખા વાર્ષિક વિશેષાંક-૨૦૧૨’નું વિમોચન કરવામાં આવ્યું તો વડોદરામાં ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ અને સુરતમાં મનોચિકિત્સક-સાહિત્યકાર ડૉ. મુકુલ ચોક્સીએ આ અંકને વાચકો સમક્ષ મૂક્યો.

તારક મહેતાના હસ્તે વિશેષાંકનું વિમોચન

આ અવસરે અમદાવાદમાં વાર્તાકાર કાજલ ઓઝા-વૈદ્યની ખાસ ઉપસ્થિતિ હતી તો રાજકોટમાં ‘ચિત્રલેખા’ ટીમ, મુંબઈમાં ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી અને વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતા, વડોદરામાં ‘ચિત્રલેખા’ ટીમ અને સુરતમાં જાણીતા કવિ-લેખક ડૉ. રઈશ મણિયાર તથા યુવા કવિ-વાર્તાકાર એશા દાદાવાળા અને ‘ચિત્રલેખા’ના વરીષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી હાજર રહ્યાં હતાં.

૬૨મા વર્ષમાં પ્રવેશેલા ‘ચિત્રલેખા’ના આ વિશેષાંકમાં વિભિન્ન ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિઓ વાત કરે છે કેટલાક ગેમ ચેન્જર ગણી શકાય એવા વ્યક્તિવિશેષની, જેમણે એમનાં ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંક્યો. એવી જ રીતે કેટલીક ઘટનાની, જે આપણા બધા માટે પરિવર્તનનો પ્રારંભ પુરવાર થઈ.

૬૨માં વર્ષના આ વિશેષાંકની સાથે ૬૨ યશસ્વી ગુજરાતીઓની ઓળખ આપતી વિશેષ પૂર્તિ પણ પ્રગટ કરવામાં આવી છે.

- અને હા, છેલ્લાં બે વર્ષની પ્રણાલી મુજબ હિંદી ફિલ્મઉદ્યોગના ત્રણ સુપરસ્ટાર દેવ આનંદ, શમ્મી કપૂર અને રાજેશ ખન્નાનાં ૬૨ સદાબહાર ગીતોની એક સીડી પણ ભેટ આપવામાં આવી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Chitralekha News