રાહુલ ગાંધી પાર્ટી, યૂપીએ, દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છેઃ કોંગ્રેસ

નવી દિલ્હી – કોંગ્રેસ પાર્ટીએ આજે જણાવ્યું છે કે રાહુલ ગાંધી પાર્ટી, યૂનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યૂપીએ) અને દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે.

કોંગ્રેસના સિનિયર પ્રવક્તા અજય માકને એમ પણ જણાવ્યું છે કે રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખપદે બઢતી આપવા અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.

કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે એવા શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની ટકોર વિશે પૂછતાં માકને કહ્યું હતું કે, બીજા પક્ષો તો રાહુલની ક્ષમતાને હવે માનતા થયા છે, અમે તો કાયમ જ એમને અમારા નેતા, ઉપપ્રમુખ તરીકે માનીએ છીએ. અમારું માનવું છે કે રાહુલ કોંગ્રેસ પાર્ટી, યૂપીએ તથા દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે.

ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપમાં શિવસેના બીજા નંબરનો મોટો ભાગીદાર પક્ષ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાને અને ભાજપ વચ્ચેના સંબંધ જોકે છેલ્લા કેટલાક વખતથી બગડ્યા છે.

કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને શા માટે મોડી કરવામાં આવી રહી છે? એવા સવાલના જવાબમાં માકને કહ્યું કે સંસ્થાકીય ચૂંટણી પ્રક્રિયા આગળના તબક્કામાં છે અને ભાવિ પ્રમુખની પસંદગીનો નિર્ણય લેવા માટે પક્ષ પાસે હજી એક વર્ષનો સમય છે. અનેક રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચૂંટણીઓ પૂરી થઈ છે.

સંજય રાઉતે ગઈ કાલે એવું નિવેદન કરીને સનસનાટી ફેલાવી દીધી હતી કે રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે અને નરેન્દ્ર મોદીનું મોજું ઓસરી રહ્યું છે. રાહુલને ‘પપ્પુ’ કહેવા એ ખોટું છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મિડિયા પર લોકો ‘પપ્પુ’ કહીને રાહુલની મજાક-મશ્કરી ઉડાવે છે.