ચેન્નઈ – મેચના અંત ભાગમાં ઓલ્બી મોર્કેલ (સાત બોલમાં ત્રણ સિક્સ સાથે ૨૮ રન), ડ્વેન બ્રાવો (૧૫ બોલમાં અણનમ ૨૫) અને રવિન્દ્ર જાડેજા (મેચના છેલ્લા બોલમાં વિનિંગ શોટ તરીકે બાઉન્ડરી) જોરદાર ફટકાબાજી કરતા ચેન્નઈ સુપર કિંગ્સે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગલોર પર પાંચ-વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે.
બેંગલોરના કેપ્ટન ડેનિયલ વેટ્ટોરીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ મયંક અગ્રવાલ (૨૬ બોલમાં ૪૫), ક્રિસ ગેલ (૩૫ બોલમાં ૬૮) અને વિરાટ કોહલી (૪૬ બોલમાં ૫૭ રન)ની ઝડપી સ્કોરિંગની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૨૦૫ રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નઈની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૨૦૮ રન કરીને મેચ જીતી લીધી. આ ધીમી ગતિએ ટાર્ગેટની તરફ આગળ વધતી હતી, પણ વિરાટ કોહલીની એક ઓવરમાં મોર્કેલે ત્રણ સિક્સ અને બે ચોગ્ગા સાથે ૨૮ રન ઝૂડી કાઢતા મેચ ઓચિંતી ચેન્નઈની ફેવરમાં આવી ગઈ હતી.
વિનય કુમારે ફેંકેલી છેલ્લી ઓવરના બીજા બોલમાં મોર્કેલ ૧૯૨ રનના સ્કોર પર આઉટ થયા બાદ બ્રાવોએ એક સિક્સ અને એક બાઉન્ડરી ફટકારી તેની ટીમની જીત તરફ સ્પીડને ટકાવી રાખી હતી. છેલ્લા બોલમાં જીત માટે બે રન કરવાના હતા અને જાડેજાએ બાઉન્ડરી ફટકારી હતી.
ચેન્નઈની જીતમાં ઓપનર ફાફ દુ પ્લેસીસ (૪૬ બોલમાં ચાર સિક્સ, પાંચ બાઉન્ડરી સાથે ૭૧ રન), સુરેશ રૈના ૨૩, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૨૪ બોલમાં બે સિક્સ સાથે ૪૧ રન)નો પણ મહત્વનો ફાળો રહ્યો છે.



















