આઝાદ મેદાનની હિંસા દાઉદના ઈશારે થયાને આઈબીનું સમર્થન

મુંબઈ – ગઈ ૧૧ ઓગસ્ટે મુંબઈના આઝાદ મેદાન ખાતે થયેલી હિંસાનો દોરીસંચાર ભારતના મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે કર્યો હતો એવા સમાચારને ઈન્ટેલિજન્સ બ્યૂરોએ સમર્થન આપ્યું છે. તેથી તે હિંસામાં કોનો હાથ હતો તે વિશેની અટકળોનો હવે અંત આવી ગયો છે.

આઈબીના અધિકારીઓએ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન આર.આર. પાટીલને સુપરત કરેલા અહેવાલમાં તેમણે આઝાદ મેદાન હિંસાત્મક ઘટના અંગે કરેલી તપાસની વિગતો દર્શાવી છે. એમાં તેમણે ૧૧ ઓગસ્ટની રેલી વખતે હિંસા કરાવવામાં દાઉદ અને તેના સાગરિતોએ કેવી મુખ્ય ભૂમિકા ભજવી હતી તેની વિગતો દર્શાવી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે તાજેતરમાં જ પત્રકારોને કહ્યું હતું કે પ્રારંભિક અહેવાલો પરથી શંકા ગઈ છે કે આઝાદ મેદાન ખાતે રઝા એકેડેમી દ્વારા આયોજિત રેલી દરમિયાન થયેલી હિંસાનું મુખ્ય ભેજું કદાચ વિદેશમાં રહે છે.

આઈબીના અધિકારીઓનો દાવો છે કે ગઈ ૧૦ અને ૧૧ ઓગસ્ટે પાકિસ્તાનના બે શહેરમાંથી મુંબઈમાં કરવામાં આવેલા અનેક ફોન કોલ્સના પરથી પુરવાર કરી શકાશે કે હિંસામાં દાઉદનો હાથ છે.

આઈબી અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે એ લોકોનો મૂળ ઈરાદો અંધાધૂંધી ફેલાવવાનો અને આઝાદ મેદાન તથા મુંબઈના અન્ય ભાગોમાં કોમી રમખાણો ભડકાવવાનો હતો. આઝાદ મેદાન ખાતેની રેલીમાં અન્ડરવર્લ્ડની ટોળકીના સભ્યો ટોળામાં કેવી રીતે ભળી ગયા હતા એની જાણકારી પણ આઈબી અધિકારીઓએ આપી છે. તે રેલી આસામમાં થયેલા રમખાણો અંગે સરકારના ઉદાસીન વલણ સામેના વિરોધમાં યોજવામાં આવી હતી. અન્ડરવર્લ્ડની ટોળીના માણસોને હિંસા શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news