નવી દિલ્હી – દિલ્હીમાં ગયા વર્ષનાં ડિસેંબરમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનાં પરિવારજનોનું કહેવું છે કે તમામ આરોપીઓને ફાંસીની સજાથી ઓછું એમને કંઈ ઓછું ખપે નહીં. તેમની માગણી તો સગીર વયના આરોપીને પણ ફાંસી આપવાની છે. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે આ સંબંધમાં જરૂર પડે તો કાયદામાં સુધારો પણ કરો.
મૃતક પીડિતાનાં ભાઈએ તેનાં પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી આપવાની દિલ્હી સરકારની ઓફરને નકારી કાઢી છે.
૨૩ વર્ષીય મૃતક પીડિતાનાં દાદાએ કહ્યું છે કે, આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર એ છોકરાને માત્ર ત્રણ વર્ષની મામુલી જેલની સજા કરીને જો છોડી દેવામાં આવશે તો અમે જરાય સાંખી નહીં લઈએ, કારણ કે એ છોકરા પાસે બહાનું છે કે એ સગીર વયનો છે.
મૃતક છોકરીનાં ભાઈએ દિલ્હીથી ફોન પર કરેલી વાતચીતમાં જણાવ્યું કે અમારા પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે કરેલી ઓફરને અમે ઠુકરાવી દીધી છે અને એમને આ અંગે જાણ પણ કરી દેવામાં આવી છે. અત્યારે તો હું કોલેજમાં ભણું છું. દીક્ષિતે મને એવી ખાતરી આપી છે કે એ મને કોઈ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન અપાવશે.
પીડિતાનાં ભાઈએ કહ્યું છે કે અમને પૂરો વિશ્વાસ છે કે મેડિકલ પરીક્ષણ પરથી એ પુરવાર થશે કે પોતાને સગીર વયનો કહેતો આરોપી વાસ્તવમાં પુખ્ત વયનો છે. તેથી એને કડકમાં કડક સજા કરવાનો માર્ગ મોકળો થશે.
છોકરાએ એમ પણ કહ્યું કે તમામ આરોપીઓને ફાંસીની સજા કરવી જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ.
સરકારે બળાત્કારીઓને સજા કરવાના કાયદાને કડક બનાવવાની ભલામણ કરવા માટે નીમેલી જસ્ટિસ વર્મા સમિતિએ જો કે બળાત્કારીઓને ફાંસી આપવાની ભલામણ કરી નથી.



















