ઈંગ્લેન્ડના ક્રિકેટપ્રેમીઓને ધરમસાલાની મેચ જોવામાં બહુ રસ છે

ધરમસાલા (હિમાચલ પ્રદેશ) – પહાડોની વચ્ચે વસેલા અને ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવતા ધરમસાલા શહેરમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને સિરીઝની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે તેને લીધે અહીં અત્યારથી જ ઉત્સવ જેવું વાતાવરણ જામ્યું છે. અહીં આ પહેલી જ વાર ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે.

ભારતીય ટીમે સિરીઝને ૩-૧થી કબજે કરી લીધી છે તેથી રવિવારની મેચના પરિણામથી સિરીઝના પરિણામ પર કોઈ અસર પડવાની ન હોવા છતાં આ શહેરના ક્રિકેટપ્રેમીઓ ખૂબ ઉત્સાહમાં છે.

આવો જ ઉત્સાહ ઈંગ્લેન્ડના ક્રિકેટરસિયાઓમાં પણ જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડમાંથી ઘણા ક્રિકેટચાહકો ચાર્ટર્ડ ફ્લાઈટ્સ અને લક્ઝરી વાહનો દ્વારા ધરમસાલામાં આવી પહોંચ્યા છે. એમની ટીમ સિરીઝ હારી ચૂકી છે છતાં મેચની સાથે ખાસ કરીને ધરમસાલાનું કુદરતી સૌંદર્ય માણવા માટે તેઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશનાં તમામ ૬૭ વિધાનસભ્યો પણ આ મેચ જોવા આવવાના છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહ અને દલાઈ લામા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

મેચ રવિવારે હોવાથી ઘણા પર્યટકો પણ પડોશનાં પંજાબ, હરિયાણા અને દિલ્હીમાંથી આવી રહ્યાં છે.

ધરમસાલામાં ૫૬ રજિસ્ટર્ડ હોટેલ અને ગેસ્ટ હાઉસ છે. એ બધાયની મળીને પથારીઓની સંખ્યા ૧,૧૦૦ છે.

ધરમસાલાથી ૮ કિ.મી. દૂર આવેલા મેકલીઓડગંજમાં ૯૧ રજિસ્ટર્ડ હોટેલ છે. ત્યાં ૨૦૦૦ જેટલા લોકોને સમાવવાની ક્ષમતા છે.

આ ઉપરાંત ડઝન જેટલા સરકારી ગેસ્ટ હાઉસો પણ છે.

એક હોટેલના માલિકે કહ્યું કે અમારે ત્યાંની બધી રૂમ ખાસ આ મેચ માટે એક વર્ષ પહેલાથી બૂક કરી દેવામાં આવી છે.

મેચ માટેનું સ્ટેડિયમ શિમલા અને ચંડીગઢથી ૨૫૦ કિ.મી. દૂર આવેલું છે. ત્યાં ૨૧,૫૦૦ દર્શકોને સમાવવાની ક્ષમતા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports