ચેન્નઈ – મુંબઈ ઈન્ડિયન્સને એલિમિનેટરમાં અને દિલ્હી ડેરડેવિલ્સને બીજી ક્વૉલિફાયર મેચમાં મોટા તફાવતથી પરાસ્ત કરીને ચેન્નઈ સુપર કિંગ્સની નજર હવે ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ જીતની હેટ-ટ્રિક પર છે. બીજી બાજુ, આ સ્પર્ધાની ફાઈનલમાં પહેલી જ વાર પહોંચેલા કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે ગુમાવવા જેવું કશું નથી, પણ મેળવવા માટે ઘણું છે.
આજે અહીં ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આ બંને ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો થવાનો છે ત્યારે બંને ટીમના ખેલાડીઓના આત્મવિશ્વાસની આકરી કસોટી થશે.
દેખીતી રીતે, આગલી બે વખત ચેમ્પિયન બનવાથી અને હોમ ગ્રાઉન્ડ પર રમવાનું હોવાથી ચેન્નઈનું પલડું ભારે છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ બેટિંગ ફોર્મમાં આવી ગયો છે.
તેમ છતાં બંને ટીમનો દાવ ઓફ્ફ સ્પિનર સુનીલ નારાયણ પર લાગેલો છે. કોલકાતાનો આ વેસ્ટ ઈન્ડિયન સ્પિનરે તેની ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ૧૪ મેચોમાં એણે ૨૪ વિકેટો ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ માત્ર ૫.૨૦ છે જે ટ્વેન્ટી-20 ફોર્મેટની દ્રષ્ટિએ ઘણો સારો કહેવાય. કેકેઆરનો જેક કાલિસ પણ ૧૬ મેચોમાં ૧૪ વિકેટ મેળવી ચૂક્યો છે તો રજત ભાટિયા, શાકિબ અલ હસન અને એલ. બાલાજીએ પણ ઘણી સારી બોલિંગ કરી છે.
ધોનીને આ તમામ બોલરોમાં સૌથી વધારે ગભરાટ નારાયણનો હોય એવું લાગે છે. તેના બેટ્સમેનો આ બોલરને કાબૂમાં રાખે અથવા ઝૂડી કાઢે એવું તે ઈચ્છતો હશે.
ચેન્નઈ પાસે પણ સારા બોલરો છે, જેમ કે, બેન હિલ્ફેનહોસ, એલ્બી મોર્કેલ, આર. અશ્વિન અને શાદાબ જકાતી. રવિન્દ્ર જાડેજા પણ ૧૪ વિકેટો લઈને પોતાની ઉપયોગિતા બતાવી ચૂક્યો છે.
બેટિંગમાં મુરલી વિજય આગલી મેચમાં દિલ્હી સામે સેન્ચૂરી ફટકાર્યા બાદ આજે જોરદાર આત્મવિશ્વાસ સાથે રમશે.
કેકેઆરનો કેપ્ટન ગૌતમ ગંભીર શરૂઆતમાં જોરદાર બેટિંગ પ્રદર્શન બાદ છેલ્લે થોડોક ખરાબ ફોર્મમાં પટકાયો છે. હવે ટીમે બેટિંગનો આધાર બ્રેન્ડન મેકુલમ અને યુસુફ પઠાણ પર મૂક્યો છે.



















