રોમ – ઈટાલીના ઉત્તર ભાગમાં રવિવારે ત્રાટકેલા જોરદાર ભૂકંપે ઓછામાં ઓછા ૬ જણનો ભોગ લીધો છે, ડઝનબંધ લોકોને ઈજા પહોંચાડી છે અને કેટલાક પ્રાચીન સમયના ચર્ચ, ટાવરો અને ઈમારતોને નુકસાન પહોંચાડ્યું છે.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૦ની હતી અને તે સ્થાનિક સમય મુજબ વહેલી સવારે ૪.૦૪ વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ બીજા અનેક આફ્ટરશોક્સ પણ લાગ્યા હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં ઈટાલીમાં આવેલા આ સૌથી શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ પો નદીના તટવિસ્તારમાં આવેલા મોડેના નગર નજીક મેદાનવિસ્તારમાં હોવાનું માલૂમ પડ્યું છે.
પશ્ચિમ ભાગમાં, છેક ફ્રાન્સ સાથે સરહદ બનાવતા લિગુરીયા શહેર તેમજ સ્લોવેનિયા સાથે સરહદ બનાવતા ફ્રિઉલી શહેરમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
ધરતીકંપે ઘણા ઐતિહાસિક ચર્ચ તથા અન્ય મકાનોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.
ભૂકંપ ઉત્તર ઈટાલીના ઔદ્યોગિક રીતે તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ત્રાટક્યો છે. ઘણા મકાનો તથા ફેક્ટરીઓ અને ચર્ચો જમીનદોસ્ત થયા છે અથવા નુકસાન પામ્યા છે.
ભૂકંપ ત્રાટક્યો ત્યારે લોકો ગાઢ નિંદરમાં હતા અને સૌ ગભરાટના માર્યા ઘરની બહાર, ખુલ્લી જગ્યામાં દોડી ગયા હતા.
સેન્ટ એગોનિસ્ટો નગરમાં સિરેમિક્સ બનાવતી એક ફેક્ટરીનું મકાન જમીનદોસ્ત થતા ચાર કામદારો માર્યા ગયા છે.
૩૭ વર્ષની એક જર્મન મહિલા તથા એક વયોવૃદ્ધ મહિલા આઘાતને લીધે હાર્ટ બંધ થવાથી મૃત્યુ પામી છે.



















