સ્ત્રીભ્રૂણ હત્યાને મર્ડર તરીકે ગણવા માગે છે મહારાષ્ટ્ર સરકાર

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે PCPNDT કાયદા, ૧૯૯૪માં સુધારો કરે જેથી ગર્ભ જાતિ પરીક્ષણને આધારે કરાતા ગર્ભપાતને હત્યા તરીકે, ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ હેઠળ સજાપાત્ર ગુના તરીકે ગણી શકાય.

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને મોકલાવેલા એક પત્રની વિગતો અનુસાર, ગર્ભ જાતિ પરીક્ષણ કરવું PCPNDT કાયદા હેઠળ ગુનો છે અને ગુનેગારને આઈપીસીની કલમ ૨૩(૩) હેઠળ ત્રણ વર્ષ સુધીની કેદ તથા રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવે છે. ત્યારબાદ એ ગુનો ફરી કરનારને પાંચ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ થઈ શકે છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે આ સજા બહુ મામુલી છે અને આ કાયદાનો ભંગ કરનારાઓના મનમાં કોઈ ભય હોતો નથી. સજાનો ભય ઓછો હોવાને લીધે ડોક્ટરો અને ગર્ભવતી મહિલાના સગાંઓ ગર્ભ જાતિ પરીક્ષણ કરાવે છે અને અંતે ગર્ભ પરીક્ષણના આધારે ગર્ભપાત કરવામાં આવે છે.

પત્રમાં જણાવાયું છે કે જો આપણે કાયદાનો ભય ઊભો કરવા ઈચ્છતા હોઈએ, અને માનવજાતિ સામે આ પ્રકારનો ગુનો રોકવા માગતા હોઈએ તો આપણે સ્ત્રીભ્રૂણ હત્યાના કેસને આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ મૂકી દેવો જોઈએ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news