ગુજરાત ભાજપ કારોબારી બેઠકમાં કેન્દ્રને લેવાશે આડેહાથ

રાજકોટ – ભારતીય જનતા પાર્ટીની ગુજરાત એકમની કારોબારીની બે-દિવસીય બેઠક શનિવારથી અહીં શરૂ થઈ છે અને તેમાં ચાર ઠરાવ પાસ કરવામાં આવશે. જેમાંનો એક ઠરાવ કેન્દ્રની યુપીએ સરકારની ગુજરાત-વિરોધી નીતિ અંગેનો હશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલી આ બેઠક માટે રાજ્યભરમાંથી ભાજપના ૩૦૦ જેટલા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોદી શનિવારે બપોરે બેઠકના સ્થળે આવી પહોંચ્યા ત્યારે એમનું સંગીતની ધૂન વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

પક્ષના પ્રવક્તા વિજય રૂપાણીનું કહેવું છે કે આ બેઠકમાં અમે ચાર ઠરાવ પાસ કરવાના છીએ. જેમાં મોદીની નેતાગીરી હેઠળ રાજ્યમાં થયેલા કૃષિ વિકાસની સરાહના તેમજ યુપીએ સરકારની ગુજરાત-વિરોધી નીતિના ઠરાવનો સમાવેશ થાય છે.

રૂપાણીએ કહ્યું કે, ગુજરાત દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કૃષિ ક્ષેત્રે સરસ પ્રગતિ થઈ છે. તે છતાં મોદી કેન્દ્ર સરકારને આંખના કણાની માફક ખૂંચે છે અને સરકાર ગુજરાતની પ્રગતિમાં અવરોધો નાખ્યા કરે છે. એટલે અમારી પાર્ટી તે મુદ્દા પર પ્રકાશ પાડતો ઠરાવ પાસ કરશે.

અન્ય બે ઠરાવ છે – મોંઘવારીને રોકવામાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને મુખ્ય પ્રધાન તરીકે મોદીના ૧૦-વર્ષના શાસનમાં ગુજરાતનો વિકાસ.

પક્ષના અન્ય પ્રવક્તા આઈ.કે. જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતે નિર્ધારિત છે તેથી રાજ્ય કારોબારીની બેઠકમાં ચૂંટણી પૂર્વે ભાજપની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS