અમદાવાદ – ગુજરાતમાં બે પ્રધાન ખૂબ ભ્રષ્ટાચાર કરે છે અને ગાંધીનગર જિલ્લાના લવાડ ગામમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીને જમીનની ફાળવણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલે શુક્રવારે અહીં પત્રકાર પરિષદમાં કરેલા આક્ષેપ વિશે ગુજરાતના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ખુલાસો કર્યો છે.
વ્યાસે કહ્યું કે, લવાડ ગામમાં સૂચિત રક્ષા શક્તિ યુનિવર્સિટીને કોઈ ગોચર જમીન ફાળવવામાં આવી નથી. તે યુનિવર્સિટી રાજ્ય સરકારની ૩૦૦ એકરની પડતર જમીન ઉપર જ બનાવવામાં આવશે. લવાડની ગોચર જમીન ગામ પંચાયતના જ તાબામાં રહેશે. ગાંધીનગરના કલેક્ટરે યોગ્ય પ્રક્રિયા મારફત રક્ષા શક્તિ યુનિવર્સિટીને ૯૦ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. કેજરીવાલે હકીકતોનો અભ્યાસ કર્યા વિના લવાડનો વિવાદ ચગાવ્યો છે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ધીરજ પારેખનું કહેવું છે કે, ગુજરાતના તેમજ સમગ્ર દેશના યુવાધનમાં આંતરિક સુરક્ષાની બાબતમાં જાગૃતિ આવે તેમજ આ અંગે પધ્ધતિસરના અભ્યાસક્રમમાં જોડાવાની તેમને તક મળે અને સંશોધન દ્વારા સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવી શકાય તે માટે રાજ્ય સરકારે ગુજરાતમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે જે દેશમાં આ પ્રકારની પ્રથમ યુનિવર્સિટી હશે.
રક્ષા શક્તિ યુનિવર્સિટીનું આ લક્ષ્ય સિધ્ધ થાય તે હેતુથી અને આ યુનિવર્સિટીને પૂર્ણપણે કાર્યરત કરવા ગાંધીનગર જિલ્લાના લવાડ ગામ ખાતે પડતર-ખરાબાની જમીન ફાળવવામાં આવી છે. આ યુનિવર્સિટીની રચના થવાને કારણે માત્ર લવાડ જ નહીં પરંતુ આજુબાજુના અન્ય ગામોના વિકાસમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. આ યુનિવર્સિટીના નિર્માણ માટે ગામના સરપંચ તેમજ લવાડ ગામના આગેવાનોની રૂબરૂ સર્વસંમતિથી જમીનનો કબજો યુનિવર્સિટી દ્વારા માર્ચ-૨૦૧૦માં સંભાળવામાં આવ્યો છે તેમજ જંગલ વોરફેર, પરેડ ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ સંકુલ, ઓડિટોરીયમ સહિત અત્યાધુનિક શૈક્ષણિક તેમજ વહીવટી સંકુલના નિર્માણની યોજના કરવામાં આવી છે, એમ પારેખે કહ્યું.
આમ છતાં યુનિવર્સિટી સંદર્ભમાં લોકો વચ્ચે કેટલાંક પ્રશ્નો ઊભા થયાં છે. જેમાં મુખ્યત્વે ગામમાં સ્મશાનગૃહ, ખેત મજુરો માટે આવાસ, મૃત પશુઓના નિકાલ માટેની જગ્યા, લવાડ ગામથી અન્ય ગામોમાં જવાના રસ્તા, ગામ ડૂબમાં જવાની ભીતિ વગેરેનો સમાવેશ થાય છે. પારેખનું કહેવું છે કે આ પ્રશ્નો બાબતે ચર્ચા હાથ ધરી હકારાત્મક દ્રષ્ટિકોણથી ઉકેલ લાવી શકાય તેમ છે. અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ગામના રસ્તાના ઉપયોગને અટકાવવામાં આવ્યો નથી કે, ગામ લોકોને કોઈ પણ પ્રકારની અડચણ કે અસુવિધા થવા દેવામાં આવી નથી.
આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ અને ત્યાં થતી પાણીની આવક અને નિકાસનો નિષ્ણાંતો દ્વારા અભ્યાસ કરાવવામાં આવ્યો છે. લવાડ ગામ તરફથી આવતા પાણીને અટકાવવાનો કે વરસાદી પાણીને કારણે લવાડ ગામ ડૂબમાં જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે, યુનિવર્સિટી તરફથી હાલના પાણીના નિકાસને યથાવત્ રાખીને યુનિવર્સિટીનું બાંધકામ કરાશે. ઉપરાંતમાં યુનિવર્સિટી તરફથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત ગંદા પાણીને વાપરવા યોગ્ય બનાવીને જરૂર લાગે તો વધારાનો પાણી પુરવઠો લવાડ ગામને પણ આપી શકાશે. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કાજે વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો છે, એમ પારેખે વધુમાં કહ્યું.



















