ગાંધીનગર – ગુજરાતમાં છોકરીઓનાં અપહરણ અને બળાત્કારના કેસોનાં વધી ગયેલા પ્રમાણ અંગે હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે કે તેણે આવા બનાવોમાં તત્કાળ ફરિયાદ નોંધવી અને તપાસ છ મહિનામાં પૂરી કરવી.
ન્યાયમૂર્તિ એમ.આર. શાહે રાજ્યના સીઆઈડી (ક્રાઈમ) વિભાગને તથા એના લાપતા વ્યક્તિઓને લગતા વિભાગને કહ્યું છે કે ફરિયાદ નોંધાયાના છ મહિનાથી વધારે સમયથી ઉકેલાયા ન હોય તેવા કેસોમાં એ તપાસ કરે.
કોર્ટે રાજ્ય સરકારને પણ કહ્યું છે કે સીઆઈડી ક્રાઈમને આવા કેસો ઉકેલવામાં મદદરૂપ થવા તે એમના માનવબળમાં વધારો કરે.
છોકરીઓનાં અપહરણ અને બળાત્કારનાં કેસોમાં પોલીસ પર ઉદાસીન વલણનો આરોપ મૂકતી અનેક હેબીઅસ કોર્પસ પીટિશનો પરની સુનાવણી વખતે જજે ઉપર મુજબ આદેશો આપ્યા છે.
ન્યાયમૂર્તિ શાહે એવો આદેશ પણ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરીનું અપહરણ કરાયું હોય કે તેની પર બળાત્કાર કરાયો હોય કે લાપતા થઈ હોય એવી તેનાં મા-બાપ કે ભાઈ-બહેન કોઈ ફરિયાદ કરવા આવે તો સંબંધિત પોલીસ અધિકારીઓએ તે વિશેની ફરિયાદો તત્કાળ નોંધવી.



















