ગાંધીનગર – ભારતમાં થાઈલેન્ડના રાજદૂતે અહીં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2013માં જાહેરાત કરી છે કે તેમનો દેશ આ વર્ષની ૧ એપ્રિલથી થાઈલેન્ડ અને ગુજરાતને કનેક્ટ કરતી સીધી વિમાન સેવા શરૂ કરશે.
થાઈલેન્ડના રાજદૂત પિસાન માનવાપાતે એક સમારંભમાં કહ્યું કે ગયા વર્ષના મે મહિનામાં અમે જ્યારે ગુજરાત સરકારને મળ્યા હતા ત્યારે એણે ગુજરાત અને થાઈલેન્ડ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાનો અમારી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
થાઈ એરવેઝ તેની પેટાકંપની મારફત આ વર્ષની ૧ એપ્રિલથી અમદાવાદ અને થાઈલેન્ડ વચ્ચે સૌપ્રથમ સીધી ફ્લાઈટ શરૂ કરશે. ગુજરાતમાંથી બેંગકોક જવા માગતા વિમાન મુસાફરોને હવે મુંબઈ કે દિલ્હી જવાની જરૂર નહીં પડે.
માનવાપાતે એમ પણ કહ્યું કે અમારી સરકાર થાઈલેન્ડમાં ગુજરાત પર્યટનને પ્રોત્સાહન આપવા પણ તૈયાર છે. ગુજરાત સરકાર કહે એ પ્રમાણે અમે થાઈલેન્ડના પર્યટકોને ગુજરાતના પ્રવાસે આવવા પ્રોત્સાહન આપીશું.



















