એફબીઆઈએ શરૂ કરી ગુરુદ્વારા ગોળીબારકાંડમાં તપાસ

ન્યૂ યોર્ક – અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન સંસ્થાએ વિસ્કોન્સીનસ્થિત એક ગુરુદ્વારામાં રવિવારે શીખ સમુદાયને ટાર્ગેટ બનાવીને કરાયેલા ગોળીબારમાં વિસ્તૃત તપાસ કરવાની ખાતરી આપી છે.

પોલીસે આ ઘટનાને ઘરેલુ ત્રાસવાદ તરીકે ગણાવી છે.

મિલ્વાઉકીના ઉપનગર ઓક ક્રીક ખાતેના ગુરુદ્વારામાં રવિવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૦.૩૦ વાગ્યે બનેલી ગોળીબારની ઘટનામાં છ શ્રદ્ધાળુઓ તથા હુમલાખોર, એમ સાત જણનાં મરણ નિપજ્યા છે તથા ત્રણ જણ ઘાયલ થયા છે.

એ વખતે શીખ સમુદાયના ઘણા લોકો ત્યાં પ્રાર્થના, દર્શન કરવા માટે એકત્ર થયા હતા. એમની પર અજાણ્યા શખ્સે ઓચિંતો અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

બનાવની જાણ થતા પોલીસો આવી પહોંચ્યા તે પછી બંદૂકધારીએ તેમની ઉપર પણ ગોળીબાર કર્યો હતો જેમાં એક અધિકારીને ઈજા થઈ હતી. પોલીસોએ વળતો ગોળીબાર કરતા હુમલાખોર ઠાર મરાયો હતો.

હુમલાખોર ૪૦ વર્ષની વયનો અને શ્વેત હતો. તે લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો. પોલીસે કહ્યું કે તેનું નામ વેડ માઈકલ પેજ છે.

એફબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે હુમલાખોરના ઈરાદા વિશે હજી કોઈ જાણકારી મળી નથી.

હુમલાખોરે તેના એક હાથ પર 9/11 ટેટુ કરાવ્યું હતું. એ માથે ટાલીયો હતો અને તેણે સફેદ ટી-શર્ટ તથા કાળું પેન્ટ પહેર્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS