ટીમ ઈન્ડિયા નંબર-1; વન-ડે ક્રિકેટ રેન્કિંગ્સમાં મારી છલાંગ

રાંચી – શનિવારે અહીં નવા બંધાયેલા જેએસસીએ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ પર ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૭-વિકેટથી મળેલી જીત ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે અંગત રીતે બેવડી ખુશીનો અવસર છે. એક, પોતાના વતન શહેરમાં પહેલી જ વાર ઈન્ટરનેશનલ મેચ રમાઈ અને ભારત તેમાં જીત્યું અને બીજું, આઈસીસી વન-ડે ક્રિકેટ રેન્કિંગ્સમાં ભારતે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ભારતે ODI રેન્કિંગ્સમાં આ પહેલી જ વાર પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝ શરૂ થઈ એ વખતે ભારત ત્રીજા સ્થાન પર હતું.

અગાઉ, ભારત ક્રિકેટની આ ફોર્મેટના રેન્કિંગ્સમાં બીજા સ્થાને પહોંચ્યું હતું. ભારત ટેસ્ટ ક્રિકેટના રેન્કિંગ્સમાં નંબર-1 સ્થાન મેળવી ચૂક્યું છે, પણ ODI માં આ પહેલી જ વાર મેળવ્યું છે.

બીજું સ્થાન ભારતે ૨૦૦૯ના જુલાઈમાં મેળવ્યું હતું. ૨૦૧૨ના જાન્યુઆરીમાં ફરીથી તે બીજા સ્થાને પહોંચ્યું હતું, પણ વળી નીચે, ત્રીજા સ્થાને ઉતરી ગયું હતું.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારે રાત્રે બહાર પાડેલા નવા રેન્કિંગ્સમાં ભારત (૧૧૯ પોઈન્ટ) પછીના ક્રમે આવે છે ઈંગ્લેન્ડ (૧૧૮), સાઉથ આફ્રિકા (૧૧૬), શ્રીલંકા (૧૧૧), ઓસ્ટ્રેલિયા (૧૧૧), પાકિસ્તાન (૧૦૭), વેસ્ટ ઈન્ડિઝ (૮૮), બાંગ્લાદેશ (૭૮), ન્યૂ ઝીલેન્ડ (૭૬), ઝિમ્બાબ્વે (૫૦), આયરલેન્ડ (૩૫), નેધરલેન્ડ્સ (૧૬) અને કેન્યા (૧૧).

ભારતનું આ ટોપ-સ્થાન જોકે ખતરામાં છે. એણે તે જાળવી રાખવું હોય તો ૨૩ જાન્યુઆરીએ મોહાલીમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી વન-ડે જીતવી પડશે. જો ભારત તે મેચ હારશે તો ઈંગ્લેન્ડ બે પોઈન્ટ મેળવીને પહેલા નંબર પર પહોંચી જશે અને ભારત બીજા નંબર પર ઉતરી જશે.

તે છતાં ધોની અને તેની ટીમ જો ધરમસાલામાં ૨૭ જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમાનાર પાંચમી અને સિરીઝની છેલ્લી વન-ડે મેચ જીતી જશે તો વળી પહેલા સ્થાને આવી શકશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports