કોલંબો – મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે બુધવારે અહીં આવી પહોંચી છે. સ્પર્ધા આવતા મંગળવારથી શરૂ થવાની છે.
ફાઈટર બેટ્સમેન યુવરાજ સિંહે કેન્સર સામેનો જંગ જીત્યા બાદ મંગળવારે ન્યૂ ઝીલેન્ડ સામે બેંગલોરમાં બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં હિંમતભેર કમબેક કર્યા બાદ ટીમ શ્રીલંકામાં આવી છે.
યુવરાજના ૩૪ રનના યોગદાન છતાં ભારત ન્યૂ ઝીલેન્ડ સામેની મેચ માત્ર એક રનથી હારી ગયું હતું.
ધોનીના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમે ૨૦૦૭માં સૌપ્રથમ આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા જીતી હતી. પરંતુ આગલી બે સ્પર્ધામાં ટીમ માત્ર સુપર-8 તબક્કા સુધી જ પહોંચી શકી હતી.
આગલી બે સ્પર્ધાની જેમ, આ વખતે પણ ટીમને સચીન તેંડુલકર વિના રમવું પડશે.
ધોનીને આ વખતે વિરાટ કોહલી અને આર. અશ્વિનનો સાથ મળ્યો છે. આ વખતની સ્પર્ધામાં સ્પિન બોલિંગ મહત્વનો ભાગ ભજવે એવી ધારણા છે. અશ્વિન ઉપરાંત ભારતે પિયૂષ ચાવલા અને હરભજન સિંહ ઉપર મદાર રાખ્યો છે.
બેટિંગમાં ગૌતમ ગંભીર, વિરેન્દર સેહવાગ, સુરેશ રૈનાનો સપોર્ટ કોહલીને મળશે. યુવરાજ સિંહના પુનરાગમનથી ટીમની તાકાતમાં વધારો થયો છે.
૧૨-ટીમો વચ્ચેની સ્પર્ધામાં ભારતનો સમાવેશ એ-ગ્રુપમાં કરાયો છે. તેની સાથે અન્ય બે ટીમ છે, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન.
બી-ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, આયરલેન્ડ છે.
સી-ગ્રુપમાં શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે છે.
જ્યારે ડી-ગ્રુપમાં પાકિસ્તાન, ન્યૂ ઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે.
હેમ્બાન્ટોટા શહેરમાં રાજપક્ષે સ્ટેડિયમ ખાતે સ્પર્ધાની પહેલી મેચમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો થશે.
ભારતની પહેલી મેચ અફઘાનિસ્તાન સાથે ૧૯ સપ્ટેંબરના બુધવારે છે.
બાદમાં પત્રકાર પરિષદમાં ધોનીએ કહ્યું કે, અમારી પહેલી મેચ અફઘાનિસ્તાન સાથે છે. અમે એ ટીમને ઈન્ટરનેશનલ ટીમ જેટલું જ મહત્વ આપીએ છીએ અને તેને જરાય હળવાશથી નહીં લઈએ.
ધોનીએ એમ પણ કહ્યું કે, સ્પર્ધામાં ભારતના સ્પિનરોએ મહત્વની ભૂમિકા ભજવવાની રહેશે. અમારી ટીમમાં ઘણી જ વેરાયટી છે. એ જ અમારો મોટો એડવાન્ટેજ છે. ટીમના પાર્ટ-ટાઈમ ખેલાડીઓએનું યોગદાન પણ ખૂબ મહત્વનું સાબિત થશે.
સ્પર્ધા પૂર્વે ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ રમશે. ૧૫મીએ શ્રીલંકા સામે અને ૧૭મીએ પાકિસ્તાન સામે.
ભારતીય ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ગૌતમ ગંભીર (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, વિરેન્દર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, ઈરફાન પઠાણ, સુરેશ રૈના, રોહિત શર્મા, મનોજ તિવારી, રવિચંદ્રન અશ્વિન, લક્ષ્મીપતિ બાલાજી, પીયૂષ ચાવલા અને અશોક ડીન્ડા.



















