ભારતમાં પોલીસો ખૂબ અત્યાચાર કરે છેઃ અમેરિકાનો આરોપ

વોશિંગ્ટન – અમેરિકાએ માનવ અધિકારોના રક્ષણ અંગે ભારતના રેકોર્ડના ભૂક્કા બોલાવી દીધા છે. તેણે કહ્યું છે કે ભારતમાં સુરક્ષા દળોનો દુરુપયોગ કરવાના અને પોલીસ દ્વારા અત્યાચારના અનેક કિસ્સા બને છે, ન્યાયિક રીતે ગેરકાયદેસર હત્યાઓ કરવામાં આવે છે તેમજ સરકારના તમામ સ્તરે વ્યાપકપણે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે વર્ષ ૨૦૧૧માં માનવ અધિકારોના અમલ અંગે તૈયાર કરેલા એક વાર્ષિક અહેવાલમાં ભારત ઉપરાંત બીજા અનેક દેશોમાં માનવ અધિકારોના રેકોર્ડને લગતી વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં માનવ અધિકારોને લગતી સમસ્યાઓમાં વિશેષ ઉલ્લેખ કરવો પડે પોલીસ તથા સુરક્ષા દળોના દુરુપયોગનો. જેમાં ન્યાયિક રીતે ગેરકાયદેસર કરાતી હત્યાઓ, શારીરિક અત્યાચાર અને બળાત્કારનો ઉલ્લેખ કરવો પડે. ઉપરાંત સરકારના તમામ સ્તરે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે.

આ રિપોર્ટ અમેરિકાનાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને રિલીઝ કર્યો છે.

રિપોર્ટમાં નક્સલવાદીઓ તથા જમ્મુ અને કશ્મીરમાં અલગતવાદીઓ દ્વારા કરાતી હિંસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને માનવ અધિકારોની એક અન્ય પ્રકારની સમસ્યા તરીકે ગણાવવામાં આવી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS