હેમ્બાન્ટોટા – વિરાટ કોહલીની શાનદાર સેન્ચૂરી (૧૦૬ રન) ફોગટ નથી ગઈ. બોલરોએ સહિયારી મહેનત કરતા ભારતે શ્રીલંકાના વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સાંગકારાની લડાયક સદી (૧૩૩ રન) છતાં ગૃહ ટીમને આજે અહીં હેમ્બાન્ટોટા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રોમાંચક રહેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૨૧ રનથી હાર આપી છે અને પાંચ મેચોની સિરીઝમાં ૧-૦ની સરસાઈ પ્રાપ્ત કરી છે.
ભારતે મૂકેલા ૩૧૫ રનના ચેલેન્જિંગ ટાર્ગેટ સામે સાંગકારાને બાદ કરતા શ્રીલંકાની ટીમ કોઈ વિસાતમાં નહોતી અને ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૯૩ રન કરી શકી.
બીજી મેચ ૨૪ જુલાઈએ આ જ મેદાન પર રમાશે.
શ્રીલંકાના દાવમાં સાંગકારાની સેન્ચૂરી સાથે ઉલ્લેખનીય કહેવાય એવી બેટિંગ કરી ફાસ્ટ બોલર થિસારા પરેરાએ (૪૪ રન) અને લસિથ મલિંગાએ (૧૯ નોટઆઉટ).
મલિંગાએ મેચની છેલ્લી ઓવરમાં બે સિક્સર અને એક બાઉન્ડરી ફટકારીને મેચના અંતનો રોમાંચક બનાવી દીધો હતો.
છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીત માટે ૩૮ રન કરવાના હતા અને મલિંગા તથા કુલસેકરાની અંતિમ જોડી મેદાનમાં હતી. સાંગકારાની કીમતી વિકેટ લેનાર ઉમેશ યાદવે ફેંકેલી તે ઓવરમાં મલિંગાએ ૧૬ રન કર્યા, ત્રણ બોલ ડોટ ગયા.
યાદવ, ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ અને સ્પિનર આર. અશ્વિને બબ્બે વિકેટ લીધી તો ઝહીર ખાન અને પ્રજ્ઞાન ઓઝાએ એક-એક બેટ્સમેનને આઉટ કરીને તેમને સાથ આપ્યો.
ટાર્ગેટને ચેઝ કરવામાં સાંગકારાને ટોપ ઓર્ડરમાં કોઈનો સાથ ન મળ્યો. ઉપુલ થારંગા ૨૮, તિલકરત્ને દિલ્શાન ૬, દિપક ચાંદીમલ ૧૩, કેપ્ટન મહેલા જયવર્દને ૧૨, એન્જેલો મેથ્યૂસ ૭, લાહિરી થિરીમન્ને ૭ રન કરીને આઉટ થયો હતો.
સાંગકારાએ ૧૫૧ બોલનો સામનો કરીને ભારતના બોલરોને હંફાવ્યા હતા અને પોતાના ૧૨ બાઉન્ડરી ફટકારી હતી. એ છેક ૪૮મી ઓવરમાં આઉટ થયો હતો.
અગાઉ, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતે વાઈસ-કેપ્ટન કોહલીના ૧૦૬ રન, વિરેન્દર સેહવાગના ૯૬, સુરેશ રૈનાના ૫૦ અને ધોનીના ઝડપી ૩૫ રનની મદદથી ૫૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૩૧૪ રનનો સ્કોર ખડો કર્યો હતો.
કારકિર્દીમાં કોહલીની આ ૧૨મી સદી છે. તેણે ૧૦૬ રન કરવા માટે ૧૧૩ બોલ લીધા હતા. આ જવાબદારીપૂર્વકના દાવમાં તેણે ૯ બાઉન્ડરી ફટકારી હતી. જ્યારે સેહવાગે ૯૭ બોલમાં કરેલા ૯૬ રનમાં ૧૦ ચોગ્ગા હતા.
ગૌતમ ગંભીર (૩) સાત રનના સ્કોર પર ફાસ્ટ બોલર નુવન કુલસેકરાની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયા બાદ સેહવાગ અને કોહલીએ બીજી વિકેટ માટે ૧૭૩ રનની ભાગીદારી કરી હતી. છેવટે ૩૨મી ઓવરમાં સેહવાગ રનઆઉટ થયો હતો. થિસારા પરેરાના ડાયરેક્ટ થ્રોએ સ્ટમ્પ્સ ઉખેડી નાખ્યા ત્યારે સેહવાગ ક્રિઝની બહાર હતો. કોહલીએ ડિફેન્સિવ રમતાં બોલને ઓફ્ફ સાઈડ પર ધકેલ્યો હતો. સેહવાગ રન લેવા માટે દોડી પડ્યો હતો, પણ તરત જ એને ક્રિઝમાં પાછા ફરવા દોડવું પડ્યું હતું. પરેરાએ બોલને ઝડપી લઈ બોલિંગ એન્ડ પરના સ્ટમ્પ્સ પર ફેંક્યો હતો. સેહવાગ ક્રિઝમાં પાછા ફરવામાં આળસ કરી ગયો. થર્ડ અમ્પાયરે કન્ફર્મ કર્યું, પણ સેહવાગે પેવિલિયન તરફ ચાલતી પકડી લીધી હતી. ૨૪૬ વન-ડે મેચો રમનાર સેહવાગ તેની ૧૬મી સદી ચૂકી ગયો હતો.
ત્યારબાદ રોહિત શર્મા, જેને કારકિર્દીમાં ૨૦૦૦ રન પૂરા કરવા માટે ૮ રનની જરૂર હતી, તે માત્ર પાંચ રન કરીને આઉટ થઈ ગયો.
કોહલી અને સુરેશ રૈનાએ ૪૦ ઓવરમાં સ્કોરને ૨૨૮ રને પહોંચાડ્યો ત્યારે કોહલીને આઉટ કરવામાં સફળતા મેળવી થિસારા પરેરાએ. એક સબસ્ટિટ્યૂટ ખેલાડીએ કોહલીનો કેચ પકડીને તેની ઈનિંગ્ઝનો અંત લાવી દીધો હતો.
રૈના અને ધોનીએ ૪૯મી ઓવરમાં ટીમનો સ્કોર ૩૦૦ પર પહોંચાડ્યો હતો. વાસ્તવમાં, ધોનીએ લસિથ મલિંગાની બોલિંગમાં બાઉન્ડરી અને પછી સિક્સર ફટકારીને સ્કોરને ૩૦૦ પર પહોંચાડ્યો હતો.
તે પછીની, છેલ્લી ઓવર, જે થિસારા પરેરાએ ફેંકી હતી, તેમાં ભારતે બે બોલમાં બે વિકેટ ગુમાવી હતી. પહેલા, રૈના (૪૬ બોલમાં ૫૦) આઉટ થયો હતો. મિડ-વિકેટ સ્થાને તેનો કેચ સબસ્ટિટ્યૂટ ખેલાડી સેનાનાયકેએ પકડ્યો હતો. રૈનાની વિકેટ પડતાં જ તેણે અને ધોનીએ પાંચમી વિકેટ માટે કરેલી ૭૯ રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. રૈનાએ ઊંચો ફટકો મારતા ધોની દોડી જતા તે સ્ટ્રાઈકર એન્ડ પર આવ્યો હતો, પણ તે પછીના જ બોલમાં તેની પણ વિકેટ પડી હતી. થિરીમન્નેએ તેનો કેચ પકડ્યો હતો. પરેરાને હેટ-ટ્રિકનો ચાન્સ હતો, પણ ઈરફાન પઠાણે પોતાની વિકેટ આપવાને બદલે બાઉન્ડરી ફટકારી હતી.
ધોનીએ ૨૯ બોલના દાવમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. રૈનાના ૪૫ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે.
થિસારા પરેરા ત્રણ વિકેટ સાથે તેની ટીમનો સૌથી સફળ બોલર રહ્યો હતો, પણ તેણે પોતાની ૧૦ ઓવરમાં ૭૦ રન આપ્યા હતા. મલિંગા એકેય વિકેટ લેવામાં સફળ થયો નથી, ઊલટાનું, ૧૦ ઓવરમાં ૮૩ રન ખર્ચી નાખ્યા.
ભારત ૨૦૦૮ના ઓગસ્ટથી શ્રીલંકામાં પાંચ વન-ડે મેચોની સિરીઝ રમ્યું છે. તે ૨૨ મેચોમાંથી ભારત ૧૪માં જીત્યું છે અને ૮માં હાર્યું છે. ભારતે પાંચમાંથી ચાર સિરીઝ જીતી છે.
બંને દેશ વચ્ચે ૧૯૮૫ અને ૨૦૦૬ વચ્ચે બીજી ૧૩ સિરીઝ રમાઈ હતી જેમાં ભારત માત્ર બેમાં જ જીતી શક્યું હતું અને બે ડ્રો ગઈ હતી. એકમાં કોઈ રિઝલ્ટ આવ્યું નહોતું અને શ્રીલંકાએ ૮માં જીત હાંસલ કરી હતી.



















