ડિસેંબરમાં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમો

નવી દિલ્હી – ભારત સાથે ક્રિકેટ સંબંધો પ્રસ્થાપિત કરવાનો પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે આગ્રહ કર્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેના સૂચનને માન્ય રાખ્યું છે.

પાકિસ્તાનની ટીમ આ વર્ષના ડિસેંબરમાં ભારતના પ્રવાસે આવશે અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.

જો બંને દેશની સરકાર મંજૂરી આપશે પાકિસ્તાનની ટીમ ભારતમાં ત્રણ વન-ડે મેચોની સિરીઝ અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમવા આવશે.

બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમને ડિસેંબર ૨૦૧૨-જાન્યુઆરી ૨૦૧૩ દરમિયાન એક ટૂંકી સિરીઝ રમવા ભારત આવવાનું આમંત્રણ આપીને બોર્ડે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

આ સિરીઝ ઈંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસના બે હિસ્સાની વચ્ચેના સમયગાળા દરમિયાન રમાડવામાં આવશે.

ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ મેચોની સિરીઝ અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમવા નવેંબરમાં ભારત આવવાની છે. ત્યારબાદ નાતાલનો તહેવાર માણવા એ ટીમ સ્વદેશ ફરશે અને પછી પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવા જાન્યુઆરીમાં પાછી આવશે.

પાકિસ્તાન સામેની ત્રણ વન-ડે મેચ ચેન્નઈ, કોલકાતા અને દિલ્હીમાં રમાશે જ્યારે બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો બેંગલોર અને અમદાવાદમાં રમાશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન ઝાકા અશરફે કહ્યું કે અમે ભારતીય ક્રિકેટ બોર્ડ સમક્ષ ત્રણ પ્રસ્તાવ મૂક્યા છે. એક, બંને દેશની ટીમ વચ્ચે પાકિસ્તાનમાં સિરીઝ રમાય, બંને ટીમ કોઈ તટસ્થ સ્થળે ક્રિકેટ સિરીઝ રમે અથવા પાકિસ્તાનની ટીમ ભારતમાં આવીને સિરીઝ રમે.

૨૦૦૮ના નવેંબરમાં મુંબઈમાં આતંકવાદી હુમલાઓ થયા બાદ અને તેમાં પાકિસ્તાની ત્રાસવાદીઓની સંડોવણીનો પર્દાફાશ થયા બાદ ભારતે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ તાજેતરમાં બંને દેશના વિદેશ સચિવોની મંત્રણા દરમિયાન ક્રિકેટ સંબંધો પ્રસ્થાપિત કરવાની બંને સચિવે ઈચ્છા દર્શાવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, બીસીસીઆઈની કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેંબરમાં ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમાશે. ડિસેંબરમાં ટીમ ઈન્ડિયા પાસે લગભગ ૨૦ દિવસોનો સમય ખાલી પડેલો છે એમાં ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમાડી શકાશે.

ભારત અને પાકિસ્તાનની ટીમો છેલ્લે ૨૦૦૭માં સત્તાવાર સિરીઝ રમ્યા હતા. ત્યારબાદની સિરીઝ પાકિસ્તાનમાં રમાવાની હતી, પણ ૨૦૦૮ની ૨૬ નવેંબરે મુંબઈમાં આતંકી હુમલાઓ થયા બાદ ભારતે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધોને તોડી નાખ્યા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports